અમેરિકામાં બે પ્રભાવશાળી રીપબ્લિકન સેનેટર્સે બાઇડેન સમયના એક નિયમમાં ફેરફાર કરવા એક પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાં વર્ક પરમિટ રીન્યુ કરવાનો સમયગાળો 180 દિવસથી વધારીને 540 દિવસ કરવામાં આવ્યો હતો. બાઇડેનના એડમિનિસટ્રેશનમાં એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ (EAD)ને 180 દિવસથી વધારીને 540 દિવસ કર્યા પછી H-1B વિઝાધારકોના જીવનસાથીઓને ઘણો ફાયદો થયો હતો, જેમાં ભારતીયોની સંખ્યા વધુ હતી. 13 જાન્યુઆરીએ ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા મંજૂર કરાયેલો આ નિયમ ઇમિગ્રન્ટ્સ, શરણાર્થીઓ, ગ્રીનકાર્ડ ધારકો, H-1B વિઝાધારકોના જીવનસાથીઓ અને અન્ય લોકોને વ્યાપક રીતે લાગુ પડે છે.
ગત ગુરુવારે સેનેટર્સ જોન કેનેડી અને રિક સ્કોટ દ્વારા સંયુક્ત રીતે રજૂ કરાયેલા આ પ્રસ્તાવામાં બાઇડેન એડમિનિસ્ટ્રેશનના એ નિયમને કોંગ્રેસનલ રીવ્યુ એક્ટ (CRA)ની પ્રક્રિયાઓ અંતર્ગત નામંજૂર કરવાની માગ કરવામાં આવી છે, જેમાં ઇમિગ્રન્ટ EAD માટે રીન્યુઅલનો સમયગાળો અધિકારીઓ દ્વારા એ પરમિટ્સની સમીક્ષા થાય તે પહેલા આપોઆપ લગભગ દોઢ વર્ષ સુધી લંબાવવામાં આવ્યો હતો. બાઇડેન એડમિનિસ્ટ્રેશનના આ ખતરનાક નિયમથી ઇમિગ્રન્ટ્સની વર્ક પરમિટનો સમયગાળો આપોઆપ 540 દિવસ સુધી લંબાયો હતો. આ બંને સેનેટર્સે ચેતવણી આપી હતી કે, જો કોંગ્રેસ બાઇડેન એડમિનિસ્ટ્રેશનના નિયમને બદલામાં નિષ્ફળ જશે તો ટ્રમ્પ સરકારને દેશમાં ગેરકાયદે વસતા અને કામ કરી રહેલા લોકોને શોધવામાં વધુ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.