રોયલ મેઇલે જાહેરાત કરી છે કે “ખૂબ જ વાસ્તવિક અને તાત્કાલિક” નાણાકીય પડકારોને કારણે આગામી 7 ઓક્ટોબરથી ફર્સ્ટ – ક્લાસ સ્ટેમ્પ્સની કિંમત 30 પેન્સ વધારીને £1.65 કરવામાં આવી છે. જ્યારે સેકન્ડ ક્લાસ સ્ટેમ્પની કિંમત 85 પેન્સ રહેશે.
રોયલ મેઇલના ચીફ કોમર્શિયલ ઓફિસર નિક લેન્ડને જણાવ્યું હતું કે “લોકો દ્વારા મોકલવામાં આવતા પત્રોના પ્રમાણમાં બે તૃતીયાંશનો ઘટાડો થતાં અને દરેક પત્ર પહોંચાડવાના ખર્ચ તથા વધતા બિઝનેસ ખર્ચના દબાણના કારણે રોયલ મેઇલને આ વધારો કરવાની ફરજ પડી છે. પોસ્ટ કરવામાં આવતા પત્રોની સંખ્યા 2004-05માં 20 બિલિયન પ્રતિ વર્ષ હતી, જે ઘટીને 2023-24માં લગભગ 6.7 બિલિયન થઈ ગઈ છે.”
સેવાની શરતો હેઠળ રોયલ મેઇલ કાયદેસર રીતે અઠવાડિયામાં છ દિવસ, સોમવારથી શનિવાર અને પાર્સલ સોમવારથી શુક્રવાર સુધી પહોંચાડવા માટે બંધાયેલ છે. યુકેના પોસ્ટલ રેગ્યુલેટરે ગુરુવારે જણાવ્યું હતું કે કંપનીને શનિવારે સેકન્ડ ક્લાસ પત્રોની ડિલિવરી બંધ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે. જો કે, ડિલિવરીના દિવસોને કાપીને ટપાલ સેવામાં સુધારો કરવા માટે સરકાર અને સંસદને વર્તમાન કાયદામાં ફેરફાર કરવાની જરૂર પડશે.
રોયલ મેઇલે ગયા વર્ષે £419 મિલિયનનું ભારે નુકસાન કર્યું છે અને તેનું પ્રદર્શન પણ બગડ્યું છે અને ગ્રાહકોને નિયમિતપણે સમયસર પત્રો મળતા નથી.
રોયલ મેઇલે અનુમાન લગાવ્યું છે કે સેકન્ડ ક્લાસ સર્વિસીસમાં સુધારો કરવા ઉપરાંત તેના પરફોર્મન્સ ટાર્ગેટમાં ફેરફાર કરવાથી બિઝનેસને વાર્ષિક £300 મિલીયન બચાવી શકાય છે.