પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)
અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ૨૦ જાન્યુઆરીએ સત્તા સંભાળે પછી અમેરિકામાં ગેરકાયદે વસતા તમામ લોકોને તેમના વતનના દેશોમાં પરત મોકલી દેવાશે. આ રીતે, તે અમેરિકાના ઈતિહાસમાં હજી સુધીનું સૌથી મોટું ડીપોર્ટેશન અભિયાન બની રહેશે. આ માટે અમેરિકાનું ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ યાદી તૈયાર કરી રહ્યું છે. અમેરિકામાં આશરે ૧૫ લાખ ગેરકાયદે વસાહતીઓ છે. તેઓના દેશ નિકાલ માટે વ્યવસ્થા વિચારાઈ રહી છે.
અમેરિકામાં ગેરકાયદે વસતા અન્ય દેશોના વતનીઓમાં મેક્સિકન લોકો પ્રથમ ક્રમે છે, તે પછી અલ સાલ્વાડોર અને ત્રીજા ક્રમે આશરે ૭,૨૫,૦૦૦ ભારતીયો આવે છે. તેમાંથી ૧૮૦૦૦ને સૌથી પહેલી ખેપમાં ભારતભેગા કરાશે. તે માટે દસ્તાવેજીકરણ શરૂ થઈ રહ્યું છે. આઇસીઈ ડેટા પ્રમાણે પહેલાં જૂથમાં નવેમ્બર ૨૦૨૪માં મુકેલી ગણતરી પ્રમાણે ૧૭,૯૪૦ ભારતીયોને સ્વદેશ પાછા મોકલાશે.
આ ડેટા રીલીઝ થયો તે પહેલાં પણ ઓક્ટોબર મહિનામાં અમેરિકાએ ચાર્ટર્ડ પ્લેન દ્વારા ગેરકાયદે ઘૂસેલા ભારતીયોને સ્વદેશ પરત મોકલી દીધા છે. ૨૨મી ઓક્ટોબરે રવાના કરાયેલી તે ફલાઈટ માટે ભારતે પણ સહકાર આપ્યો હોવાનું ડીપાર્ટમેન્ટ ઓફ હોમ સીક્યોરિટીએ જણાવ્યું હતું.
યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઈસીઈ)એ દેશનિકાલ માટે આશરે 1.5 મિલિયન લોકોની યાદી તૈયાર કરી છે. બીજી તરફ જે લોકોનું ડોક્યુમેન્ટેશન પૂર્ણ થયું નથી તેવા હજ્જારો ભારતીયો પોતાનું સ્ટેટસ લીગલાઈઝ કરવા મથી રહ્યા છે. આ પૈકીના ઘણા આઇસીઈના ક્લીઅરન્સની રાહ જોઈ રહ્યા છે.
ડેટા મુજબ છેલ્લાં ૩૦ વર્ષ દરમિયાન સરેરાશ ૯૦,૦૦૦ ભારતીયો ગેરકાયદે સરહદ ઓળંગી અમેરિકામાં ઘૂસવાના પ્રયત્ન કરતા પકડાયા હતા.
આ રીપોર્ટ મુજબ હોન્ડુરાસમાંથી ૨,૬૧,૬૫૧ અન-ડોક્યુમેન્ટેડ (ગેરકાયદે) વસાહતીઓ અમેરિકામાં પ્રવેશ્યા હતા. તે પછી ગ્વાટેમાલા, મેક્સિકો અને અલ-સાલ્વાડોરનો ક્રમ આવે છે. પોતાના જ નાગરિકોને પાછા નહીં સ્વીકારવામાં મુખ્ય ૧૫ દેશો ખરી મૂંઝવણ ઉભી કરી રહ્યાં છે. આ રીપોર્ટમાં તે ૧૫ દેશોનાં નામ અપાયા છેઃ ભારત, ભૂતાન, બર્મા, ક્યુબા, ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગો, એરીટ્રિયા, ઇથિયોપિયા, હોંગ-કોંગ, ઈરાન, લાઓસ, પાકિસ્તાન, પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઈના, રશિયા, સોમાલિયા અને વેનેઝૂએલા.

LEAVE A REPLY