ગુજરાત સહિત ઉત્તર ભારતના 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાતિલ ઠંડી શરૂ થઈ ગઈ છે. મેદાની રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાન 5થી 10 ડિગ્રીની નીચી સપાટીએ પહોંચ્યું હતું. રાજસ્થાન અને પંજાબમાં કેટલીક જગ્યાએ ગરમીનો પારો ઝીરોથી નીચે ગગડ્યો હતો. પંજાબ અને મધ્યપ્રદેશમાં ખૂબ જ ઠંડા પવનો ચાલુ થયા હતાં.
કડકડતી ઠંડીને પગલે અમદાવાદ મ્યુનિસિપલ સત્તાવાળાઓએ તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ શાળાઓનો સમય બદલી બદલ્યો હતો. સવાર અને બપોરની પાળીમાં અનુક્રમે 35 મિનિટ અને 15 મિનિટનો મોડી સ્કૂલો ચાલુ થશે.
હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનો, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં કોલ્ડવેવનો પ્રકોપ ચાલુ થયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં મેદાની વિસ્તારોમાં સૌથી ઓછું લઘુતમ તાપમાન પંજાબના આદમપુરમાં 0.7 ડિગ્રી નોંધાયું હતું. રાજસ્થાનના સીકર જિલ્લાના ફતેહપુરમાં તે 1.3 ડિગ્રી અને માઉન્ટ આબુમાં 1.4 ડિગ્રીએ પહોંચ્યું હતું. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને વિદર્ભના ભાગોમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતા 3-5 ડિગ્રી ઓછું નોંધાયું હતું.
હવામાન વિભાગે 17 ડિસેમ્બર સુધી જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, હરિયાણા, ચંદીગઢ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કડકડતી કોલ્ડ વેવની આગાહી કરી હતી.