(ANI Photo)

કેચમેન્ટ વિસ્તારોમાં વરસાદ વચ્ચે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમનું જળસ્તર તીવ્રપણે વધ્યું  હતું અને રવિવારે 135.30 મીટર થયું હતું, જે તેની 138.68 મીટરની પૂર્ણ-જળાશય ક્ષમતા કરતાં થોડાક મીટર ઓછી હતી. SSNNL અધિકારીઓના જણાવ્યા મુજબ,  ઉપરવાસમાંથી ડેમમાં 2,65,748 ક્યુસેક પાણી આવી રહ્યું હતું અને સીઝનમાં પ્રથમવાર ડેમના 15 રેડિયલ દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ દરવાજામાંથી 1,75,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રિવરબેડ પાવરહાઉસમાંથી 36,975 ક્યુસેક પાણી અને કેનાલ હેડ પાવરહાઉસમાંથી 23,081 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું હતું.

સુરતમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમના પણ 15 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને તેનાથી નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરાયા હતા. ઉકાઈ ખાતે પાણીનું સ્તર 102.39 હતું જે 1લી સપ્ટેમ્બર સુધીના સમયગાળા માટે નિર્ધારિત 102.11 મીટર રૂલ લેવલ કરતા વધારે હતું.

નર્મદા અને ઉકાઈ પછી ગુજરાતનો ત્રીજો સૌથી મોટો ડેમ કડાણા ડેમમાં  પણ સારો એવો પાણીપ્રવાહ ચાલુ થયો હતો. કડાનામાં હાલમાં સ્ટોરેજ 55% કરતા ઓછો છે. કરજણ ડેમમાં ભારે ઇનફ્લો અને આઉટફ્લો ચાલુ રહ્યો હતો, અનુક્રમે 67,000 ક્યુસેક અને 59,000 ક્યુસેકથી વધુ હતો.

કુલ 206માંથી 72 જળાશયો હાઇએલર્ટ પર

રાજ્યના 206 જળાશયોમાં રવિવાર સુધીમાં 3.64 લાખ મિલિયન ક્યુબિક ફૂટ પાણી હતું, જે તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 65 ટકા છે. રાજ્યના 206 જળાશયોમાંથી જળસ્તરમાં વધારાને કારણે 72 જળાશયોને હાઈ એલર્ટ પર અને 15 જળાશયોને એલર્ટ પર મૂકવામાં આવ્યા હતા.

રાજ્યમાં સીઝનનો 82 ટકા વરસાદ

રાજ્યમાં આ સિઝનમાં રવિવાર, 25 ઓગસ્ટ સુધી વાર્ષિક સરેરાશ વરસાદના 81.81 ટકા વરસાદ થયો હતો, જેમાં દક્ષિણ ગુજરાતમાં 97.52 ટકા, કચ્છમાં 90.18 ટકા અને સૌરાષ્ટ્રમાં 84.92 ટકા વરસાદ નોંધાયો હતો. SEOC ડેટા મુજબ, ગુજરાતના ઉત્તર અને પૂર્વ મધ્ય વિસ્તારોમાં દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્ર-કચ્છની સરખામણીમાં ઓછો વરસાદ થયો છે .ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ વાર્ષિક વરસાદના 64.91 ટકા વરસાદ નોંધાયો હતો, જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં 68.84 ટકા વરસાદ થયો હતો.

 

LEAVE A REPLY