(ANI Photo/Ishant)

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં બુધવાર, 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના અમૃત સ્નાન દરમિયાન નાસભાગ જેવી સ્થિતિ સર્જાતા આશરે 30 મહિલાઓ ઘાયલ થઈ હતી. અધિકારીઓએ મૃતકોની સંખ્યા અંગે માહિતી જાહેર કરી ન હતી, પરંતુ આ દુર્ઘટનાથી માહિતગાર લોકોએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ઓછામાં ઓછા 15 મૃતદેહો લાવવામાં આવ્યાં હતા. આ સ્થિતિને પગલે વિવિધ અખાડાઓએ પવિત્ર ડૂબકી મારવાનું મોકૂફ રાખ્યું હતું.

‘અમૃત સ્નાન’ પહેલા કરોડો ભક્તો પ્રયાગરાજમાં ઉમટી પડ્યા હતાં. ‘સંગમ’થી લગભગ એક કિલોમીટર દૂર જંગી ભીડને કારણે બેરિકેડ્સ તૂટી ગયા હતાં અને કેટલીક મહિલાઓ બેહોશ થઈ ગઈ હતી. બેભાન મહિલાઓ પડી જતાં નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. આ મહિલાઓને મહા કુંભ મેળાના મેદાનમાં ઊભી કરાયેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. વધુમાં કેટલીક ગંભીર રીતે ઘાયલ મહિલાઓને બેઈલી હોસ્પિટલ અને સ્વરૂપ રાની મેડિકલ કોલેજમાં સારવારમાં મોકલવામાં આવી હતી.

અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત રવીન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે સંતો તેમનું મૌની અમાવસ્યાનું અમૃત સ્નાન મોકૂફ રાખ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરી હતી અને તેમને તાત્કાલિક રાહત પગલાં લેવાની સૂચના આપી હતી. સત્તાવાળાઓએ મેળાના મેદાનમાં અન્ય સ્થળોએ સમાન પરિસ્થિતિઓને ટાળવા માટે પોન્ટૂન પુલ બંધ કરી દીધા હતાં.

બીજા અમૃતસ્નાનના એક દિવસ પહેલા લગભગ પાંચ કરોડ લોકો પ્રયાગરાજ પહોંચી ગયા હતા, આજે ભક્તોની સંખ્યા 10 કરોડ થવાની ધારણા છે. સત્તાવાળાઓએ કડક સુરક્ષા પગલાં અમલમાં મૂક્યા છે. મેળા વિસ્તારને આગામી કેટલાક દિવસો માટે નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.પ્રયાગરાજ વહીવટીતંત્રે સ્થાનિક રહેવાસીઓને પણ ફોર વ્હીલરનો ઉપયોગ કરવાનું ટાળવા અને વરિષ્ઠ નાગરિકોને સંગમમાં લઈ જતા હોય તો જ ટુ વ્હીલર પસંદ કરવાની અપીલ કરી છે.

LEAVE A REPLY