દેશના 78માં સ્વતંત્રતા દિને દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી સતત 11મી વખત ત્રિરંગો ફરકાવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે 140 કરોડ ભારતીયો બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષાને લઈને ચિંતિત છે. ભારત હંમેશા બાંગ્લાદેશની પ્રગતિનું શુભચિંતક રહેશે. અમે આશા રાખીએ છીએ કે બાંગ્લાદેશમાં સ્થિતિ જલ્દી સામાન્ય થઈ જશે. ભારતીયો ઈચ્છે છે કે ત્યાંના હિંદુઓ અને લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 98 મિનિટના તેમના સૌથી લાંબા સ્વતંત્રતા દિવસ ભાષણમાં યુનિફોર્મ સિવિલ કોર્ડ, મહિલાઓ પરની હિંસા, વન નેશન વન ઇલેક્શન સહિતના મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો અને પાંચ વર્ષમાં મેડિકલ કોલેજોમાં 75 હજાર બેઠકો વધારવાની જાહેરાત કરી હતી
સમાન નાગરિક સંહિતા પર ભાર મૂકીને વડાપ્રધાને જણાવ્યું હતું કે દેશને વિભાજીત કરનારા કાયદાઓને આધુનિક સમાજમાં કોઈ સ્થાન નથી અને તેને દૂર કરવું જોઈએ.સુપ્રીમ કોર્ટે યુનિફોર્મ સિવિલ કોડ પર વારંવાર ચર્ચા કરી છે, આદેશો આપ્યા છે, કારણ કે દેશના એક મોટા વર્ગને લાગે છે વર્તમાન નાગરિક સંહિતા સાંપ્રદાયિક નાગરિક સંહિતા છે, તે એક ભેદભાવપૂર્ણ નાગરિક સંહિતા છે. બંધારણ આપણને કહે છે, સુપ્રીમ કોર્ટ આપણને કહે છે અને તે બંધારણ ઘડનારાઓનું સપનું હતું તેથી તેને સાકાર કરવાની અમારી ફરજ છે.
પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં ટ્રેનિંગ ડોક્ટર પર રેપ અને હત્યાના મામલે વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમને લાગે છે કે મહિલાઓ પર થતા અત્યાચારો પર સમાજમાં આક્રોશ છે અને રાજ્ય સરકારોએ આને ગંભીરતાથી લેવાની જરૂર છે. દેશ એરફોર્સ, આર્મી, નેવી અને સ્પેસ સેક્ટર સહિત અનેક ક્ષેત્રોમાં મહિલાઓના નેતૃત્વનો સાક્ષી છે. “પરંતુ કેટલીક ચિંતાજનક ઘટનાઓ પણ છે. હું આજે લાલ કિલ્લા પરથી મારી પીડા વ્યક્ત કરવા માંગુ છું. એક સમાજ તરીકે આપણે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.
પંચરંગી પાઘડી પહેરીને વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લાની કિલ્લા પરથી 2047 સુધીમાં વિશ્વ સમક્ષ ભારતનું વિઝન રજૂ કર્યું હતું. વર્ષ 2047માં ભારત આઝાદીની 100મી વર્ષગાંઠની ઉજવણી કરશે અને ત્યાં સુધીમાં વડાપ્રધાને ભારતને ફરીથી સોને કી ચિડિયા બનાવવા સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમની સરકારના આગામી 5 વર્ષ માટેના લક્ષ્યોની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે દેશવાસીઓનો સહયોગ પણ માંગ્યો હતો.
મેડિકલ બેઠકોમાં વધારાની જાહેરાત કરતાં તેમણે જણાવ્યું હતું કે દેશના યુવાનોને મેડિકલ શિક્ષણ માટે દેશની બહાર જવું નહીં પડે. મેડિકલ રિસર્ચ પર એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં લગભગ એક લાખ મેડિકલ સીટમાં વધારો કરવામાં આવ્યો હતો અને આગામી 5 વર્ષમાં 75,000 સીટ વધારીને અમે યુવાનોને ભારતમાં રહીને મેડિકલ કોર્સ કરવાની તક આપીશું.
વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે તાજેતરમાં પેરિસ ઓલિમ્પિક 2024 સમાપ્ત થયું છે. જેમાં ભારતીય ખેલાડીઓએ સારુ પ્રદર્શન કર્યું છે, અને મેડલ પણ જીત્યા છે. ભારત ઓલિમ્પિક 2036ની યજમાની કરવા માંગે છે. મોદી સરકાર આ માટે તૈયારી કરી રહી છે. ઓલિમ્પિક એસોસિએશન સાથે વાત કરીને આ લક્ષ્યાંક હાંસલ કરવાના પ્રયાસો કરવામાં આવશે.
AI ટેક્નોલોજીનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ ગેમિંગ ઈન્ડસ્ટ્રીને ઈન્ટરનેશનલ લેવલ પર લઈ જવાનું વચન આપ્યું હતું. આજે દેશમાં જ રમકડાં બને છે, જે હાઈટેક બની ગયા છે. ભારત એક વિશાળ ગેમિંગ ઈન્ડસ્ટ્રી પણ ધરાવે છે. AI ટેક્નોલોજીએ આ ઉદ્યોગને નવો આકાર આપ્યો છે. તેથી, અમે ભારતમાં બનેલા રમકડાં અને ગેમિંગને સમગ્ર વિશ્વમાં લઈ જઈશું.
વન નેશન વન ઇલેક્શનનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે ચૂંટણી કરાવવામાં ઘણો સમય લાગે છે. ઘણા મહિનાઓ સુધી ચાલતી લાંબી પ્રક્રિયાને અનુસરવી પડે છે. તેને ખતમ કરવા માટે મોદી સરકારે સમગ્ર દેશમાં વન ઈલેક્શન કરાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. જેના માટે એક કમિટી બનાવવામાં આવી હતી, જેના માટે તૈયાર રિપોર્ટમાં કરાયેલી ભલામણોને અમલમાં મૂકવાના પ્રયાસો કરવામાં આવશે.