ઉત્તરાખંડમાં ગુરુવારની રાત્રે ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 14 લોકોના મોત થયા હતાં અને કેદારનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાને કારણે અનેક નદીઓમાં ભારે પૂર આવ્યાં છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે કેદારનાથ યાત્રાને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ વચ્ચે સ્થગિત કરવામાં આવી હતી.ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. ઘોરપારાવ, લિંચોલી, મોટી લિંચોલી અને ભીંબલી ખાતે ભૂસ્ખલથી માર્ગ બ્લોક થયો છે.
હિમાચલપ્રદેશમાં પણ વાદળ ફાટવાની ઘટના બની હતી. ઉત્તર ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ આધારિત ઘટનાઓમાં 43થી વધુ લોકોના મોત થયા હતા. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે એક જ પરિવારના ત્રણ સહિત કુલ 14 લોકોનાં મોત થયા હતા અને ૬ લોકો ઘાયલ થયા હતાં.
ઉત્તરાખંડના હરિદ્વારમાં ૬, ટિહરીમાં ૩, દેહરાદૂનમાં ૨ અને ચમોલીમાં ૧ વ્યકિતનું મોત થયું હતું. દેહરાદૂનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૨ મિમી વરસાદ પડયો હતો. હરિદ્વારના રોશનાબાદમાં ૨૧૦ મિમી, રાયનવાલામાં ૧૬૩ મિમી, હલદ્વાનીમાં ૧૪૦ મિમી, રૂરકીમાં ૧૧૨ મિમી, નરેન્દ્ર નગરમાં ૧૦૭ મિમી, ધનોલ્ટીમાં ૯૮ મિમી વરસાદ નોંધવામાં આવ્યો હતો.
હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાની અનેક ઘટનાઓમાં પાંચ લોકોનાં મોત થયા હતાં અને ૫૦ લોકો લાપતા થયા હતા. ભારે વરસાદને કારણે અનેક મકાન, પુલ અને સડકોનું ધોવાણ થયું હતું. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર કુલ્લુમાં નિરમંડ, સૈંજ અને મલાના વિસ્તારો, મંડીમાં પઘર અને શિમલાના રામપુરમાં વાદળ ફાટયા હતાં.