પ્રતિકાત્મક તસવીર (istockphoto)

જ્યોર્જિયાના પર્વતીય રિસોર્ટ ગુદૌરીમાં એક રેસ્ટોરન્ટમાં 12 ભારતીય નાગરિકો મૃત હાલતમાં મળી આવ્યા હતાં, એમ ભારતીય મિશને સોમવારે જણાવ્યું હતું.

અહીંના ભારતીય મિશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે “મિશનને હમણાં જ જ્યોર્જિયાના ગુદૌરીમાં 12 ભારતીય નાગરિકોના મૃત્યુ વિશે જાણવા મળ્યું છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના. મિશન પોતાના જીવ ગુમાવનારા ભારતીય નાગરિકોની વિગતો મેળવવા માટે સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે. તમામ શક્ય સહાય આપવામાં આવશે.”

જ્યોર્જિયાના ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં ઈજાના કોઈ ચિહ્નો અથવા હિંસાના ચિહ્નો મળ્યા નથી. તમામ પીડિતો કાર્બન મોનોક્સાઇડના ઝેરથી મૃત્યુ પામ્યા હતાં.

તિબિલિસીમાં ભારતીય મિશનએ કહ્યું હતું કે તમામ 12 મૃતકો ભારતીય નાગરિકો હતાં. જોકે, જ્યોર્જિયાના મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે 11 વિદેશી હતાં અને એક જ્યોર્જિયન  નાગરિક હતો.

આ ઘટનાની જ્યોર્જિયન પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. મૃતકોની પૂરી ઓળખ થઈ ન હતી. ગુદૌરી આ ભૂતપૂર્વ સોવિયેત રાજ્યનું સૌથી મોટો અને સૌથી ઊંચો સ્કી રિસોર્ટ છે.

રેસ્ટોરન્ટના બીજા માળના સ્લીપિંગ ક્વાર્ટરમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. મૃતકોમાં સ્ટાફના સભ્યો હોવાનું માનવામાં આવે છે. જ્યોર્જિયાના ગૃહ મંત્રાલયે જ્યોર્જિયાના ક્રિમિનલ કોડની કલમ 116 હેઠળ બેદરકારીને કારણે મોતના આરોપ હેઠળ તપાસ ચાલુ કરી હતી

પોલીસે ફોરેન્સિક ટીમ સાથે આ દુર્ઘટનાની તપાસ ચાલુ કરી હતી. રૂમમાં જનરેટર માટે મર્યાદિત જગ્યા હોવાથી કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધ્યું હતું. જેના લીધે રૂમમાં ઝેરી વાયુ પ્રસરતાં મોત થયું હોવાની શક્યતા છે.

LEAVE A REPLY