અમેરિકાના લોસ એન્જેલસના જંગલોની ભીષણ આગને પગલે વ્યાપક નુકસાન થઇ રહ્યું છે. વિવિધ વિસ્તારોમાં લાગેલી આ આગ અમેરિકાના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી મોટી છે. આ આગમાં મૃત્યુઆંક વધીને 11 પર પહોંચી ગયો હતો. આર્થિકરીતે નુકસાનનો અંદાજ 100 બિલિયન ડોલરથી વધી ગયો હોવાનું જણાવામાં આવી રહ્યું છે.
‘પેલિસાડેસ ફાયર’ને કારણે અંદાજે 20 હજાર એકર જમીન પર વિનાશ વેરાયો હતો. આગને કારણે મનોરંજન ઉદ્યોગને ગંભીર નુકસાન થયું છે. ડિઝની અને યુનિવર્સલ જેવા સ્ટુડિયોમાં શૂટિંગ અટકાવી દેવાયું હતું. વિવિધ ફિલ્મોના પ્રીમિયર શો રદ કરાયા હતા અને ઓફિસો બંધ કરવાની ફરજ પડી હતી.
જેપી મોર્ગનના અંદાજ પ્રમાણે વીમો ધરાવતી પ્રોપર્ટીનું નુકસાન ૨૦ બિલિયન ડોલરને વટાવી શકે, જે લોસ એન્જેલસની આગને ‘કેમ્પ ફાયર’ કરતાં વધુ વિનાશક પુરવાર કરે છે. ‘કેમ્પ ફાયર’માં વીમો ધરાવતી પ્રોપર્ટીનું નુકસાન ૧૦ બિલિયન ડોલર થયું હતું. દરમિયાન માલિબુ અને પેસિફિક પેલિસાડેસ જેવા ઊંચું મૂલ્ય ધરાવતા વિસ્તારોમાં વિનાશથી નુકસાનનો આંકડો વધવાની આશંકા છે. ઉપરાંત, આગમાં ખતમ થયેલી ઘણી પ્રોપર્ટીનો વીમો નથી.