ન્યુયોર્ક સિટીમાં "સોલસ્ટાઇસ ઇન ટાઇમ્સ સ્ક્વેર" દરમિયાન લોકો યોગાભ્યાસ કરે છે. REUTERS/Mike Segar

અમેરિકા, યુકે, ચીન, ગ્રીસ, જર્મની, નેપાળ, સિંગાપોર, સહિતના વિશ્વભરના દેશોમાં હજારો લોકોએ યોગાસન કરી 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. મોટાભાગના દેશોમાં ભારતીય હાઇકમિશન કે દુતાવાસે યોગ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. યોગની સાર્વત્રિક અપીલને સ્વીકારીને ડિસેમ્બર 2014માં યુએનએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો હતો.

ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ટાઇમ્સ સ્ક્વેર એલાયન્સ સાથે મળીને ટાઇમ્સ સ્ક્વેર ખાતે વિશેષ યોગ સત્રોનું આયોજન કર્યું હતું..

વોશિંગ્ટનમાં સેંકડો લોકોએ યોગ કર્યા હતા. વોશિંગ્ટન ખાતેના કાર્યક્રમમાં યુએસમાં ભારતના ડેપ્યુટી એમ્બેસેડર શ્રીપ્રિયા રંગનાથને સંબોધન કર્યું હતું. પોટોમેક નદીની કિનારે  નયનરમ્ય વ્હાર્ફ ખાતે પ્રાર્થના અને ભારતીય શાસ્ત્રીય નૃત્ય સાથે  આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.

તેલ અવીવમાં પેરેસ સેન્ટર ફોર પીસ એન્ડ ઇનોવેશન ખાતે કાર્યક્રમમાં સમગ્ર ઇઝરાયેલમાંથી ત્રણસોથી વધુ લોકોએ યોગા મેટ બિજાવીને અને આસનો કર્યા હતો. મુખ્ય આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં ફર્સ્ટ લેડી મિચલ હરઝોગ મુખ્ય અતિથિ હતાં. દેશભરમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાયા હતા.ઈઝરાયેલમાં ભારતીય દૂતાવાસે તેલ અવીવ-યાફો મ્યુનિસિપાલિટી અને ઈઝરાયેલના સંસ્કૃતિ અને રમત મંત્રાલયના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

સિંગાપોરના આરોગ્ય રાજ્ય પ્રધાન રાહયુ મહઝમ  200થી વધુ યોગ ઉત્સાહીઓ અને ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અંબુલે સાથે જોડાયા હતાં. પ્રધાને તેમના વક્તવ્યમાં તંદુરસ્ત અને સંતુલિત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે યોગના મહત્વ પર ભાર મૂક્યો હતો.

નેપાળમાં ભારતીય દૂતાવાસે દેશની પર્યટન રાજધાની પોખરાના ત્રણ પ્રતિષ્ઠિત સ્થળો પર યોગ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.શ્રીલંકામાં ભારતીય દૂતાવાસે જાફના અને કેન્ડી સહિતના સ્થળોએ  યોગ સત્રોનું આયોજન કર્યું હતું.

બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે  એમ્બેસીના સાંસ્કૃતિક શિક્ષક (યોગ) લોકેશ શર્માની આગેવાની હેઠળ બેઇજિંગ મોર્નિંગ સ્ટાર સ્કૂલમાં યોગ કલાસનું આયોજન કર્યું હતું. 45થી વધુ વિદ્યાર્થીઓએ કલાસમાં ભાગ લીધો હતો

રોમમાં રાજદૂત વાણી રાવે ઇટાલિયન હિંદુ યુનિયન દ્વારા આયોજિત કાર્યક્રમમાં “સ્વ અને સમાજ માટે યોગ” થીમ અંગે માહિતી આપી હતી.

 

 

LEAVE A REPLY