ઉત્તરપ્રદેશના હાથરથ જિલ્લાના ફુલરાઇ ગામમાં મંગળવારે ભોલે બાબાના સત્સંગ કાર્યક્રમમાં ભાગદોડ મચતા ઓછામાં ઓછા 116 લોકોના મોત થયા હતાં અને અનેક ઘાયલ થયા હતા. આ ધાર્મિક કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને ઉત્તરાખંડમાંથી બાબાના 50 હજારથી વધુ અનુયાયી આવ્યા હોવાનો અંદાજ છે અને વધુ પડતી ભીડને કારણે આ દુર્ઘટના બની હતી.
દુર્ઘટના પછી ઈજાગ્રસ્તો અને મૃતકોને બસ-ટેમ્પોમાં ભરીને હોસ્પિટલ લઈ જવાયા હતાં. આજુબાજુની હોસ્પિટલોમાં મૃતકોની લાશોના ઢગલા થયા હતા.
ઇટાહના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રાજેશ કુમાર સિંહે જણાવ્યું હતું કે આ ઘટના પુલરાઇ ગામમાં એક ‘સત્સંગ’માં બની હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતાં. એટાહ હોસ્પિટલમાં 27 મૃતદેહો આવ્યા છે. માર્યા ગયેલા લોકોમાં 23 મહિલાઓ, ત્રણ બાળકો અને એક પુરુષનો સમાવેશ થાય છે.”
સત્સંગ પૂરો થઈ ગયો હતો ત્યારે લોકો એકસાથે નીકળી રહ્યા હતા. હોલ નાનો હતો. દરવાજો પણ સાંકડો હતો. પહેલા બહાર નીકળવામાં નાસભાગ મચી ગઈ હતી. લોકો એકબીજા પર પડ્યા. જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા. જેના કારણે 150થી વધુ લોકો ઘાયલ થયા થયા હતાં.
ભોલે બાબાનું સાચું નામ નારાયણ સાકાર હરિ છે. તેઓ એટાના પત્યાલી તાલુકામાં બહાદુર ગામના રહેવાસી છે. તેમણે 26 વર્ષ પહેલા સરકારી નોકરી છોડીને પ્રવચન કરવાનું શરૂ કર્યું હતું. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને ઉત્તરાખંડમાં ભોલે બાબાના ઘણા અનુયાયીઓ છે.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે નાસભાગમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને અધિકારીઓને અકસ્માત સ્થળે પહોંચવા અને રાહત પગલાં હાથ ધરવા સૂચના આપી હતી. તેમણે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી.