અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસે ડ્રગ અને ટોબેકો સેફ્ટી રેગ્યુલેટર્સ સહિત વિવિધ આરોગ્ય એજન્સીઓમાં મોટા પાયે છટણી ચાલુ કરી છે. આ નિર્ણય આરોગ્ય પ્રધાન રોબર્ટ એફ. કેનેડી જુનિયરની રાષ્ટ્રીય આરોગ્ય સેવાઓમાં કર્મચારીઓમાં ઘટાડો કરવાની યોજનાના ભાગરૂપે લેવાયો છે. આ છટણીમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અને સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સૌથી વધુ અસરગ્રસ્ત થશે.
યુએસ સેનેટ હેલ્પ કમિટીએ કેનેડીને આ મામલાને લગતી સુનાવણી માટે 10 એપ્રિલે સમન્સ પાઠવ્યું છે.બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, વિભાગે મંગળવારે સવારે કામદારોને કાઢી મૂકવાનું શરૂ કર્યું હતું. જેમાં સમગ્ર ઓફિસો અથવા ઓફિસોના કેટલાક એકમો બંધ કરાયા છે તેમાં જાતીય રોગો, વૈશ્વિક સ્વાસ્થ્ય અને જન્મજાત ખામીઓ પર કામ કરતા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
કેનેડીએ 27 માર્ચે જાહેરાત કરી હતી કે તેઓ રાષ્ટ્રીય આરોગ્ય સેવાઓમાંથી 10,000 કર્મચારીઓને કાઢી મૂકવાની યોજના ધરાવે છે. બાયઆઉટ પ્રોગ્રામ દ્વારા સ્વૈચ્છિક વિદાય સાથે એજન્સીનો સ્ટાફ 82,000 કર્મચારીઓથી ઘટીને 62,000 કર્મચારીઓ થવાની ધારણા છે.ખોરાક, દવા અને તમાકુ સલામતી સાથે સંકળાયેલા વિભાગોના ટોચના અધિકારીઓને પણ છટણીથી અસર થઈ હતી. FDAના મુખ્ય તમાકુ નિયમનકાર બ્રાયન કિંગને પણ તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા.
