ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણ સોગઠી ગામે નજીક ગણેશ વિસર્જન દરમિયાન મેશ્વો નદીમાં શુક્રવાર 13 સપ્ટેમ્બરની સાંજે 10 લોકો પાણીમાં ડુબ્યા હતાં, જેમાંથી આઠ લોકોના મોત થયા હતાં. આખા ગામમાં આ ઘટનાને પગલે માતમ પ્રસરી ગયો હતો.
વાસણા સોગઠી ગામે વહેતી મેશ્વો નદીમાં આવેલા ચેકડેમમાં આશરે દસ લોકો ન્હાવા કૂદ્યા હતાં અને આ દરમિયાન જ ડૂબી જવાથી લગભગ 8 લોકો મૃત્યુ પામી ગયા હતા, જ્યારે 2થી વધુ લોકોને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. રાહત અને બચાવ ટુકડી સહિત પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ બી બી મોડિયાએ જણાવ્યું હતું કે મૃતકો દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામના રહેવાસી હતાં. આ ઘટના ગામ નજીક બની હતી.અમે નદીમાંથી આઠ મૃતદેહો બહાર કાઢ્યા છે. કેટલા લોકો પાણીમાં ગયા તે હજુ અસ્પષ્ટ હોવાથી શોધખોળ હજુ ચાલુ છે. મૃતકો સ્થાનિક હતા, પરંતુ તેઓ સ્થળ પર નદીની ઊંડાઈ જાણી શક્યા ન હતા. થોડે દૂર એક નિર્માણાધીન ચેકડેમને કારણે તાજેતરમાં પાણીનું સ્તર વધ્યું હતું.