વડા પ્રધાન કેર સ્ટાર્મરે તા. 7ના રોજ લેબર પાર્ટીની સરકારના પ્રથમ 100 દિવસને ચિહ્નિત કરવાની સાથે 10 ડાઉનિંગ સ્ટ્રીટની તેમની ટોચની ટીમમાં વ્યાપક ફેરબદલ કર્યો છે અને લેબર પાર્ટીના ભૂતપૂર્વ કેમ્પેઇન ડાયરેક્ટર અને લેબર પાર્ટીને લેન્ડસ્લાઇડ જીતનું માસ્ટરમાઈન્ડ આયોજન કરનાર મોર્ગન મેકસ્વીનીને નવા ચીફ ઓફ સ્ટાફ બનાવ્યા છે.

પોલિટીકલ ડાયરેક્ટર વિદ્યા અલાકેસન અને ડાયરેક્ટર ઓફ ગવર્મેન્ટ રીલેશન્સ જીલ કથબર્ટસનને ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ તરીકે બઢતી આપવામાં આવી છે. અત્યાર સુધી ડાઉનિંગ સ્ટ્રીટના પોલિસી યુનિટના ડિરેક્ટર તરીકે સેવા આપતા નિન પંડિતને સ્ટાર્મરના પ્રિન્સીપલ પ્રાઇવેટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ભૂતપૂર્વ પત્રકાર જેમ્સ લિયોન્સ નવી સ્ટ્રેટેજીક કોમ્યુનિકેશન ટીમનું નેતૃત્વ કરશે.

પૂર્વ વડા પ્રધાન બોરિસ જૉન્સન દ્વારા નિમણૂક કરાયેલ ટોચના સિવિલ સર્વન્ટ સ્યુ ગ્રેએ સ્ટાર્મરના ટોચના સહાયક તરીકે રાજીનામું આપ્યું હતું અને કહ્યું હતું કે “મારી સ્થિતિની આસપાસની તીવ્ર ટિપ્પણીથી સરકારનું પરિવર્તનનું મહત્વપૂર્ણ કાર્ય વિચલિત થવાનું જોખમ હતું. તે કારણોસર મેં એક બાજુએ ઊભા રહેવાનું પસંદ કર્યું છે, અને હું મારી નવી ભૂમિકામાં વડા પ્રધાનને ટેકો આપવાનું ચાલુ રાખવા માટે આતુર છું.”

ગ્રેને રાષ્ટ્રો અને પ્રદેશો માટે સ્ટાર્મરના દૂત તરીકે પાર્ટ-ટાઇમ ફરજ સોંપવામાં આવી છે. તેણીનો પગાર વડા પ્રધાન કરતાં પણ £3,000 વધુ એટલે કે £170,000નો હોવાનું બીબીસી પર લીક કરવામાં આવ્યું હતું.

સ્ટાર્મરે એક નિવેદનમાં વિદાય લેતા ગ્રે સ્યુનો આભાર માન્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, સ્ટાર્મર અને કેબિનેટ શ્રીમંત દાતાઓ પાસેથી “મફત” કપડાં અને આતિથ્ય સ્વીકારવાના આરોપો સામે લડી રહ્યા હતા ત્યારે ડાઉનિંગ સ્ટ્રીટના અસંતુષ્ટ જુનિયર સ્ટાફે મીડિયાને લીક કરવાનો આશરો લીધો હતો.

LEAVE A REPLY