ભારત અને મોરેશિયસે બુધવારે તેમના સંબંધોને ‘ઉન્નત વ્યૂહાત્મક ભાગીદારી’માં ફેરવવાનો નિર્ણય કર્યો હતો તથા વેપાર અને દરિયાઈ સુરક્ષા સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે આઠ કરારો પર હસ્તાક્ષર કર્યા હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ સાઉથના વિકાસ માટે મહત્વાકાંક્ષી વિઝનનું અનાવરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ ભારતની મદદથી મોરેશિયસમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવાની પણ જાહેરાત કરી હતી.
હસ્તાક્ષર કરાયેલા કરારો સરહદ પારના ટ્રાન્ઝેક્શન માટે રાષ્ટ્રીય ચલણોના ઉપયોગને પ્રોત્સાહન આપવા, દરિયાઈ ડેટાની વહેંચણી કરવા, મની લોન્ડરિંગ સામે લડવા માટે સંયુક્ત કાર્ય કરવા અને MSME (લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો) ક્ષેત્રમાં સહયોગ વધારવા માટેના છે.
પોર્ટ લુઇસના તેમના બે દિવસીય પ્રવાસના બીજા અને અંતિમ દિવસે મોદીએ મોરેશિયસના રાષ્ટ્રીય દિવસના સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ અને ભારતીય વાયુસેનાની આકાશ ગંગા સ્કાયડાઇવિંગ ટીમ સાથે ભારતીય સશસ્ત્ર દળોની ટુકડીએ પણ આ ઉજવણીમાં ભાગ લીધો હતો.
મોરેશિયસના તેમના સમકક્ષ નવીનચંદ્ર રામગુલામ સાથેની મંત્રણા કર્યા પછી મોદીએ ગ્લોબલ સાઉથ માટે ભારતના નવા વિઝનની જાહેરાત કરી અને તેને “મહાસાગર” (પ્રદેશોમાં સુરક્ષા અને વિકાસ માટે પરસ્પર અને સર્વાંગી પ્રગતિ) નામ આપ્યું હતું. હિંદ મહાસાગરમાં ચીનના પ્રભાવનનો પ્રભાવ વધી રહ્યો છે ત્યારે મોદીએ આ નવો નીતિવિષયક અભિગમ રજૂ કર્યો હતો.
મોદીએ કહ્યું હતું કે મુક્ત, ખુલ્લો, સુરક્ષિત અને સલામત હિંદ મહાસાગર ભારત અને મોરેશિયસની સામાન્ય પ્રાથમિકતા છે તથા તેઓ અને રામગુલામ સંમત થયા હતાં કે સંરક્ષણ સહયોગ અને દરિયાઈ સુરક્ષા બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીનો એક મહત્વપૂર્ણ ભાગ છે.અમે મોરેશિયસના ખાસ આર્થિક ક્ષેત્રની સુરક્ષામાં સંપૂર્ણ સહયોગ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.
વડા પ્રધાને કહ્યું હતું કે નવી દિલ્હી મોરેશિયસમાં નવા સંસદ ભવનનું નિર્માણ કરવામાં સહયોગ કરશે. મોરેશિયસને તેના કોસ્ટ ગાર્ડની જરૂરિયાતો પૂરી કરવા માટે શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવશે અને નવી દિલ્હી દેશમાં પોલીસ એકેડેમી અને રાષ્ટ્રીય દરિયાઈ માહિતી શેરિંગ કેન્દ્રની સ્થાપનામાં મદદ કરશે.
