(ANI Photo)

જોહાનિસબર્ગમાં 15 નવેમ્બરે ભારતે ચોથી અને અંતિમ T20 ઈન્ટરનેશનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 135 રનથી હરાવીને શ્રેણી 3-1થી જીતી હતી. ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરી ભારતે તિલક વર્મા (47 બોલમાં અણનમ 120) અને સંજુ સેમસન (56 બોલમાં અણનમ 109)ની અણનમ સદીને કારણે 1 વિકેટે 283 રનનો જંગી સ્કોર ખડો કર્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકાને 18.2 ઓવરમાં 148 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું.

દક્ષિણ આફ્રિકા તરફથી ટ્રિસ્ટન સ્ટબ્સે સૌથી વધુ 46 રન બનાવ્યા જ્યારે ડેવિડ મિલરે 36 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ઝડપી બોલર અર્શદીપ સિંહ 20 રન આપીને ત્રણ વિકેટ સાથે સૌથી સફળ બોલર હતો જ્યારે વરુણ ચક્રવર્તી (2/42) અને અક્ષર પટેલ (2/6)એ બે-બે વિકેટ મેળવી હતી.હાર્દિક પંડ્યા, રમનદીપ સિંહ અને રવિ બિશ્નોઈને એક-એક વિકેટ મળી હતી.

ફોર્મમાં ચાલી રહેલા સંજુ સેમસને પાંચ મેચમાં તેની કારકિર્દીની ત્રીજી સદી ફટકારી હતી અને તિલક વર્માએ સતત બીજી T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. શુક્રવારે રાત્રે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ચોથી અને નિર્ણાયક મેચમાં ઘણા રેકોર્ડ્સ સ્થાપિત થયા હતાં. સંજુએ 56 બોલમાં અને તિલક વર્માએ માત્ર 47 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. બંને બેટ્સમેનોના વિસ્ફોટક પ્રદર્શનના કારણે ભારતે 20 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 283 રન બનાવ્યા હતા.

વિદેશી ધરતી પર ભારતનો 284 રનનો સ્કોર અત્યાર સુધીનો સર્વોચ્ચ હતો. સંજુ સેમસન એક વર્ષમાં 3 સદી ફટકારનાર પહેલો ખેલાડી બન્યો હતો. સંજુ અને તિલક વચ્ચે સૌથી મોટી 210 રનની પાર્ટનરશિપ થઈ હતી.

મેચમાં ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. સંજુ સેમસન અને અભિષેક શર્મા (36)એ ઓપનિંગમાં 73 રનની ભાગીદારી કરી હતી. આ પછી સંજુએ તિલક વર્મા સાથે મળીને રેકોર્ડ 93 બોલમાં 210 રનની અણનમ ભાગીદારી કરી હતી.

 

LEAVE A REPLY