(ANI Photo)
મુંબઇમાં સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન (CINTAA)નાં નવા પ્રેસિડેન્ટ તરીકે પૂનમ ધિલ્લોનની પસંદગી થઈ છે. વાઈસ પ્રેસિડેન્ટ તરીકે જાણીતાં ફિલ્મ એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરે અને જનરલ સેક્રેટરી પદે એક્ટર-કોમેડિયન ઉપાસના સિંહની વરણી થઇ છે.
આ પદ સંભાળ્યા પછી પૂનમે નાના ટીવી કલાકારોની કફોડી આર્થિક સ્થિતિ અંગે વાત કરી હતી. ઘણાં નાના કલાકારો મહિને માંડ પાંચ હજાર રૂપિયા કમાતા હોય છે. પ્રોડ્યુસર્સ દ્વારા તેમને 90 દિવસે નાણાં અપાય છે. આ સમયગાળો વહેલો કરવા પૂનમે સૂચન કર્યું હતું.
ટેલિવિઝન પ્રોડક્શનમાં પ્રવર્તમાન નિયમો હેઠળ 90 દિવસ પછી નાના કલાકારોને નાણાં ચૂકવાય છે. પૂનમે જણાવ્યુ હતું કે, મોટી રકમ મેળવતા એક્ટર્સ અને પ્રોડ્યુસર્સ વચ્ચે કોન્ટ્રાક્ટ થયેલા હોય છે અને તેમને મદદની કોઈ જરૂર હોતી નથી. જ્યારે નાના કલાકારોનું મહેનતાણું ઓછું હોય છે અને તેથી તેમની સમસ્યા પર ધ્યાન આપવામાં આવશે. નાના કલાકારોની આવક પર તેમનો પરિવાર નભતો હોય છે અને તેથી તેમને સમયસર ચૂકવણું થાય તે જરૂરી છે. આમ, પણ 90 દિવસનો સમયગાળો ઘણો લાંબો છે.
પ્રોડ્યુસર્સ પર નાના કલાકારોનું મહેનતાણું વધારવા દબાણ ન થઈ શકે, પરંતુ વહેલી ચૂકવણી માટે જરૂર કહી શકાય. 90 દિવસના બદલે વહેલા નાણાં આપવાથી પ્રોડ્યુસર્સ પર આર્થિક ભારણ વધવાનું નથી. વહેલા ચૂકવણીથી કલાકારોમાં જવાબદારીની લાગણી આવશે અને તેનાથી પ્રોડ્યુસર્સને પણ લાભ થશે. પ્રોડ્યુસર્સ સાથે આ મામલે ચર્ચા કરી ટૂંક સમયમાં નવી સમયમર્યાદા નક્કી કરવામાં આવશે.

LEAVE A REPLY