ભારતમાં મોંઘવારી સાતમા આસમાને, UKમાં 30 અને USમાં 40 વર્ષની ટોચે
યુક્રેન પર રશિયાના આક્રમણ અને કોરોના મહામારીને કારણે સપ્લાયના અવરોધને પગલે અમેરિકા, બ્રિટન અને ભારતમાં મોંઘવારી માઝા મૂકી રહી છે. અમેરિકામાં માર્ચ મહિનામાં કન્ઝ્યુમર ફુગાવો 8.5 ટકાના સ્તરે પહોંચ્યો હતો, જે 1981 પછીથી સૌથી ઊંચા સ્તરે છે. ભારતમાં ખાદ્યચીજો મોંઘી બનતા માર્ચ મહિનામાં રિટેલ ફુગાવાનો દર 17 મહિનાની ટોચે 6.95 ટકા થઈ ગયો હતો, જે રિઝર્વ બેન્કના 6 ટકાના લક્ષ્યાંક કરતાં ઘણો વધારે છે. બીજી તરફ બ્રિટનમાં કન્ઝ્યુમર પ્રાઇસ ફુગાવા માર્ચમાં ઉછળીને 7.0 ટકા થયો હતો, જે માર્ચ 1992 પછીથી સૌથી ઊંચા સ્તરે છે. ફેબ્રુઆરીમાં ફુઘાવો 6.2 ટકા હતો. સીપીઆઇમાં આ વાર્ષિક ધોરણે મોટા ભાગના અર્થશાસ્ત્રીની ધારણા કરતા વધુ રહ્યો હતો. 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાના આક્રમણ પછી બ્રિટનમાં એનર્જીના ભાવમાં તીવ્ર વધારો થયો હતો. ગયા મહિને બ્રિટનની ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટીએ અંદાજ મૂક્યો હતો કે કન્ઝ્યુમર પ્રાઇસ ફુગાવો 2022ના અંતિમ ક્વાર્ટરમાં 8.7 ટકાના 40 વર્ષની ટોચે પહોંચી શકે છે.
Read More...