ફેસબૂકના યુઝર્સની સંખ્યામાં ઘટાડો અને આગામી ત્રિમાસિકમાં કંપનીની આવક અંદાજ કરતાં ઓછી રહેવાની ધારણાને પગલે અમેરિકાના શેરબજારમાં ગુરુવારે મેટાના શેર ૨૨.૯ ટકા ગગડીને ૨૪૯.૦૫ ડોલર થઈ ગયો હતો. પરિણામે કંપનીની માર્કેટ કેપમાં એક જ દિવસમાં ૨૦૦ બિલિયન ડોલર (અંદાજે રૂ. ૧૪.૯ લાખ કરોડ) ઘટી ગઈ હતી. માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં ૨૪ બિલિયન ડોલરનું ધોવાણ થયુ હતું, જે ઇતિહાસમાં કોઇ એક દિવસની અંદર વ્યક્તિગત સંપત્તિમાં અત્યાર સુધીના સૌથી મોટા ઘટાડામાંનો એક છે. અગાઉ નવેમ્બર ૨૦૨૧માં વિશ્વના સૌથી ધનકૂબેર અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કની સંપત્તિમાં એક દિવસમાં ૩૫ બિલિયન યુએસ ડોલરનું ધોવાણ થયું હતું.
સંપત્તિમાં એક જ દિવસમાં અબજો ડોલરના કડાકા સાથે ફેસબુકના સીઇઓ વર્ષ ૨૦૧૫ પછી પહેલી વખત દુનિયાના ટોચના ૧૦ ધનકૂબેરોની યાદીમાંથી બહાર ફેંકાઈ ગયા છે. બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ અનુસાર માર્ક ઝુકરબર્ગની સંપત્તિ બીજી ફેબુ્આરીએ ઘટીને ૯૭ બિલિયન ડોલર (અંદાજે રૂ. ૭.૨૪ લાખ કરોડ) રહી ગઇ હતી જે અગાઉ ૧૨૦.૬ બિલિયન ડોલર (અંદાજે રૂ. ૯.૦૧ લાખ કરોડ) હતી.