ભારતમાં પેટીએમ, મોબિક્વીક, ફાર્મઇઝી, ઝોમાટો જેવા નવા ટેકનોલોજી સ્ટાર્ટ-અપના આઇપીઓની મોસમ પૂરબાર ખીલી છે. આઇપીઓ બાદ ફૂડ ડિલિવરી એપ્સ ઝોમેટોએ શુક્રવારે શેર બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને પ્રથમ દિવસે 18 વ્યક્તિઓને ડોલર મિલિયોનેર્સ બનાવી દીધા હતા. કંપનીના સહ-સ્થાપક અને સીઇઓ દિપેન્દ્ર ગોયલની નેટવર્થ રૂ.4650 કરોડ(6.24 મિલિયન ડોલર) થઈ હતી. ઝોમાટોમાં દિપેન્દ્રનો હિસ્સો 5.5 ટકા છે. કંપનીનો આઇપીઓ 40.38 ગણો ભરાયો હતો અને શેરનું 50 ટકાથી વધુ પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયું હતું.
કંપનીના સહ-સ્થાપક અને ચીફ ટેક્નોલજી ઓફિસર ગુંજન પાટીદારના શેર અને ઇસોપ્સની કિંમત રુ. 363 કરોડ પર પહોંચી ગઈ છે. બીજા એક સ્થાપક અને ન્યૂ બિઝનેસ હેડ મોહિત ગુપ્તાના ઇસોપ્સની કિંમત રૂ.195 કરોડ થઈ ગઈ છે. સપ્લાય ફંક્શનના હેડ ગૌરવ ગુપ્તાના સ્ટોક ઓપ્શન્સની કિંમત પણ રુ.179 કરોડમાં પહોંચી ગઈ છે. તાજેતરમાં સહ-સ્થાપક બનાવવામાં આવેલા આકૃતિ ચોપરાના ઇસોપ્સની કિંમત રૂ.149 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી. શુક્રવારે બજાર બંધ થયા પછી ઝોમાટોના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર અક્ષત ગોયલના ઇસોપ્સની કિંમત 114 કરોડ રૂપિયા હતી.