વીતેલા જમાનાની જાણીતી પીઢ અભિનેત્રી ઝીનત અમાન ભલે ફિલ્મોથી દૂર રહેતી હોય પણ સોશિયલ મિડિયા પર તે પોતાનાં ચાહકો સાથે જોડાયેલી રહે છે. તે પોતાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જૂની ફિલ્મોની યાદો તાજા કરે છે, તો ક્યારેક પોતાની સુંદર તસવીરો પણ પોસ્ટ કરે છે.
ઝીનતનું માનવું છે કે, લગ્ન પહેલાં દરેક વ્યક્તિએ પોતાના ભાવિ જીવનસાથી સાથે થોડો સમય લિવ-ઈન રિલેશનશિપમાં રહેવું જોઈએ. ઝીનત અમાનની અત્યારે ઉંમર 72 વર્ષની છે અને યુવાનીમાં તેની અંગત જિંદગી ઘણી ચર્ચાસ્પદમાં રહી હતી. ‘ડોન’, ‘સત્યમ શિવમ સુંદરમ’, ‘ધરમ વીર’ અને ‘લાવારિસ’ જેવી ફિલ્મો માટે જાણીતી ઝીનત તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં રિલેશનશીપ વિશે પોતાનાં બોલ્ડ અને સ્પષ્ટ અભિપ્રાય આપ્યા હતા.
ઝીનત અમાને તેની પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, તમારામાંથી કોઈએ મને મારી ગત પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં રીલેશનશિપ અંગેની સલાહ આપવાનું સૂચન કર્યું હતું. હું મારો અંગત અભિપ્રાય જણાવી રહી છું. જો તમે રીલેશનશિપમાં હોવ તો હું સૂચન કરીશ કે તમારે દરેક પરિસ્થિતિમાં લગ્ન પહેલાં લિવ-ઈન રીલેશનશિપમાં રહેવું જોઈએ. મેં મારા દીકરાઓને પણ આ જ સલાહ આપી છે, જેઓ બંને લિવ-ઈન રીલેશનશિપમાં રહ્યાં છે.
ઝીનત અમાને પોતાની પોસ્ટમાં વિગતે લખ્યું હતું કે, મને આ બાબત ખૂબ જ તાર્કિક લાગે છે કે બંને લોકોના પરિવારો પણ આ મુદ્દે ચર્ચામાં સામેલ થાય. તે જણાવે છે કે દિવસમાં થોડા કલાકો માટે પોતાને સુંદર દેખાડવું સહેલું હોય છે. પરંતુ શું તમે બાથરૂમ શેર કરી શકો છો? શું તમે એકબીજાના અયોગ્ય ગુસ્સાને સહન કરી શકો છો? દરરોજ રાત્રે શું જમવું , એ બાબતે તમે બંને એકમત થઇ શકો છો?
ઝીનતે આગળ લખ્યું છે કે, એ જાણવું જરૂરી છે કે શું તમે બેડરૂમમાં એકબીજા પ્રત્યે સમાન ઉત્સુકતા મેઇન્ટેઇન કરી શકો છો? લાખો નાની-મોટી બાબતો પર થતી તકરારો ઉકેલવામાં તમે સક્ષમ છો? આ બધું સામાન્ય રીતે ત્યારે જ ઉદભવે છે જ્યારે બે લોકો એક સાથે રહેવાનું શરૂ કરે છે. સરળ ભાષામાં કહીએ તો, શું તમે બંને એકબીજા માટે યોગ્ય છો? હું સમજું છું કે ભારતીય સમાજ લગ્ન પહેલાં સાથે રહેવાને પાપ ગણે છે, પણ ફરી પાછી એજ વાત આવી જાય છે, કે આપણો સમાજ તો ઘણી બધી બાબતોને પાપ ગણે છે.