કોર્બિનિસ્ટા લેબર સાંસદ ઝરાહ સુલતાનાને ‘પોલીસ હત્યારા છે’ નામના વિરોધમાં જોડાયા બાદ તેમના જ પક્ષના કેટલાક સભ્યોનો ગુસ્સો ફેલાયા બાદ માફી માંગવાની ફરજ પડી હતી. તેણી પોલીસ વિરોધી ભડકાઉ બેનરો સાથે વિરોધીઓની સાથે ઊભા રહેલા નજરે ચઢ્યા હતા. જ્યારે તેમને પડકારવામાં આવ્યા ત્યારે, શ્રીમતી સુલતાનાએ ભારપૂર્વક કહ્યું હતું કે ‘હું સંપૂર્ણપણે તે અભિપ્રાયો શેર કરતી નથી’
1 મેના રોજ તેણી કોવેન્ટ્રીમાં બ્રોડગેટમાં યોજાયેલી રેલીમાં ઝારા સુલતાનાનો પોલીસ વિરોધી ભડકાઉ બેનરો ધરાવતા વિરોધીઓની સાથે ઉભા રહ્યા હોવાનો ફોટો બહાર આવ્યા બાદ કેટલાક લેબર સભ્યો તરફથી રોષ ભભૂકી ઉઠ્યો હતો. તેણીએ કહ્યું હતું કે વિરોધીઓ જે ચિહ્નો વહન કરી રહ્યા હતા તેની તપાસ ન કરવા બદલ તેણીને ખેદ છે.
એક ફોટોગ્રાફમાં તેઓ ‘પોલીસ હત્યારા છે’ એવી ઘોષણા કરતા બેનર સાથે દેખાયા હતા. એક પ્લેકાર્ડમાં ‘ACAB’ જેનો અર્થ ‘ઓલ કોપ્સ આર બાસ્ટર્ડ્સ’ લખેલું હતું. ત્રીજા બેનરમાં કહ્યું હતું કે ‘નો કિલર્સ, નો કોપ્સ, રિક્લેમ ધ બ્લોક’.
કિલ ધ બિલ રેલી સરકારના પોલીસ, અપરાધ, સજા અને કોર્ટ બિલ સામે યોજવામાં આવી હતી, જે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં પોલીસને અહિંસક વિરોધ પર શરતો લાદવા માટે વધુ સત્તા આપશે.
લેબરે 2015 માં સોશિયલ મીડિયા પોસ્ટ્સ બાબતે તેણીની તપાસ કરી હતી જેમાં તેણીએ કહ્યું હતું કે તે ટોની બ્લેર અને ભૂતપૂર્વ ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના મૃત્યુની ઉજવણી કરશે. જે અંગે તેણીએ બાદમાં માફી માંગી હતી.