બ્રિટીશ વડા પ્રધાન ઋષિ સુનકે સોમવારે યુકેની ઓચિંતી મુલાકાતે આવેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીનું ઉષ્માભર્યું સ્વાગત કરી યુદ્ધગ્રસ્ત યુક્રેનને સંરક્ષણ મિસાઇલો, સશસ્ત્ર ડ્રોન તથા વધુ સૈન્ય સહાયની ઓફર કરીને પોતાના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે ‘’ઝેલેન્સકીએ વિકેન્ડમાં યુરોપીયન નેતાઓ સાથેની તેમની બેઠકો અંગે સુનકને માહિતી આપી હતી. સુનક આ સપ્તાહે કાઉન્સિલ ઓફ યુરોપ સમિટમાં ભાગ લેવા આઈસલેન્ડનો અને G7 સમિટ માટે ટોક્યોની મુલાકાત લેનાર છે. જેનો ઉપયોગ તેઓ યુક્રેન માટે સતત આંતરરાષ્ટ્રીય સમર્થન માટે દબાણ લાવવા કરશે.
સુનાકે કહ્યું હતું કે “આક્રમણના ભયંકર યુદ્ધ સામે યુક્રેનના પ્રતિકારમાં આ એક નિર્ણાયક ક્ષણ છે. રશિયાના નિરંકુશ હુમલાઓ સામે રક્ષણ મેળવવા માટે તેમને આંતરરાષ્ટ્રીય સમુદાયના સતત સમર્થનની જરૂર છે. પુતિનના આક્રમણના યુદ્ધની ફ્રન્ટલાઈન યુક્રેનમાં હોઈ શકે છે પરંતુ ફોલ્ટ લાઈનો સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. યુક્રેન સફળ થાય તે સુનિશ્ચિત કરવું આપણા બધાના હિતમાં છે.”
યુકેએ યુક્રેનને સ્ટોર્મ શેડો લાંબી-અંતરની ક્રુઝ મિસાઈલ પ્રદાન કરી છે. સોમવારે, સુનકે 200 કિ.મિ.થી વધુની રેન્જ ધરાવતી સેંકડો ડ્રોન સહિત સેંકડો હવાઈ સંરક્ષણ મિસાઈલો અને વધુ માનવરહિત હવાઈ પ્રણાલીઓની જોગવાઈની પુષ્ટિ કરી હતી. ઝેલેન્સકીએ સુનક સાથે ચેકર્સના એકાંતમાં વાટાઘાટો કરી હતી.
સુનકે પાછળથી ટ્વીટ કર્યું હતું કે ‘’યુકે તેમને વિવિધ પ્રકારના એરક્રાફ્ટને હેન્ડલ કરવા માટે જરૂરી તાલીમ આપશે અને રશિયન આક્રમણ સામે તેમના નાગરિકોને વધુ સારી રીતે બચાવશે”. બ્રિટને અત્યાર સુધીમાં £2.3 બિલિયન મૂલ્યની સૈન્ય સહાય પૂરી પાડી છે.