યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી તા. 8ને મંગળવારે સાંજે 5 કલાકે બ્રિટિશ સાંસદોને વીડિયો લિંક દ્વારા સંબોધિત કરશે એવી હાઉસ ઓફ કોમન્સના સ્પીકર સર લિન્ડસે હોયલે જાહેરાત કરી હતી. ચેમ્બરમાં લગાવવામાં આવેલી સ્ક્રીન પર આ ભાષણ બતાવવામાં આવશે. સર લિન્ડસેએ કહ્યું હતું કે “દરેક સંસદસભ્ય રાષ્ટ્રપતિ પાસેથી સીધું સાંભળવા માંગે છે, જેઓ યુક્રેનથી અમારી સાથે લાઇવ વાત કરશે, ગૃહ માટે આ એક મહત્વપૂર્ણ તક છે. આ ઐતિહાસિક પ્રવચનને શક્ય બનાવવા માટે અમારા અતુલ્ય સ્ટાફનો ફરી આભાર.”
બીજી તરફ વડા પ્રધાન બોરિસ જૉન્સન પોલેન્ડ, હંગેરી, સ્લોવેકિયા અને ચેક રિપબ્લિકના નેતાઓ સાથે પણ બેઠક યોજાશે. બેઠકોની શ્રેણી મધ્ય યુરોપમાં સુરક્ષા માટે યુકેના સમર્થન અંગે ચર્ચા કરાશે.
ગયા અઠવાડિયે, જ્યારે તેમણે યુરોપિયન સંસદમાં વિડિયોલિંક દ્વારા વાત કરી હતી ત્યારે તેમને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું.
સંઘર્ષ શરૂ થયા બાદ ઝેલેન્સકીએ વડા પ્રધાન બોરિસ જૉન્સન સાથે પણ વારંવાર વાત કરી છે. સોમવારે સાંજે, જૉન્સને યુએસ પ્રમુખ જો બાઇડેન, ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે વાત કરી હતી. જેમાં ચારેય નેતાઓ પુતિનને રાજદ્વારી અને આર્થિક રીતે અલગ કરવા માટે રશિયા પર દબાણ જાળવવા માટે સંમત થયા હતા.