રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીના સુરક્ષા કવચને વધારીને ‘Z+’ કેટેગરીનું કરવામાં આવ્યું છે. આ બિલિયોનેર બિઝનેસમેનને અગાઉ ‘Z’ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી હતી. ગયા વર્ષે, મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો મળ્યા બાદ ગૃહ મંત્રાલય ઉદ્યોગપતિઓની સુરક્ષા મજબૂત કરવા અંગે ચર્ચા કરી રહ્યું હતું.
હાલમાં આ કેટેગરીની સુરક્ષા ભાજપના નેતા અને ગૃહપ્રધાન અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રીય નાણાપ્રધાન અને અન્ય મહાનુભાવોને પૂરી પાડવામાં આવી છે.
જોખમનું મૂલ્યાંકન કર્યા પછી, સુરક્ષા શ્રેણીને પાંચ જૂથોમાં વિભાજિત કરવામાં આવે છે. X, Y, Z, Z+, SPG અને તેથી વધુ સુરક્ષા વર્ગીકરણ હોય છે. આ પ્રકારની સુરક્ષા VIP અને VVIP, રમતવીરો, મનોરંજનકારો અને અન્ય હાઇપ્રોફાઇલ અથવા રાજકીય હસ્તીઓને ઉપલબ્ધ છે.
Z+ સુરક્ષા શું છે?
Z+માં સુરક્ષાનું બીજા ક્રમનું સૌથી મજબૂત સુરક્ષા કવચ છે. તેમાં 10+ NSG કમાન્ડો અને પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે. દરેક કમાન્ડોએ માર્શલ આર્ટ અને નિઃશસ્ત્ર લડાઇની તાલીમ મેળવેલી હોય છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ 58 કમાન્ડો Z+ શ્રેણીની સુરક્ષામાં તૈનાત રહે છે. આ ઉપરાંત 10 આર્મ્ડ સ્ટેટિક ગાર્ડ્સ, 6 PSO, 24 જવાન, 2 એસ્કોર્ટ્સમાં રાઉન્ડ ધ ક્લોક 5 વોચર્સ બે પાળીમાં રહે છે, એક ઈન્સ્પેક્ટર અથવા સબ ઈન્સ્પેક્ટર ઈન્ચાર્જ તરીકે તૈનાત રહે છે. VIP ના ઘરે આવતા અને જતા લોકો માટે 6 ફ્રીસ્કિંગ અને સ્ક્રીનીંગ કરનારા તૈનાત હોય છે. આ સાથે જ રાઉન્ડ ધ ક્લોક 6 ડ્રાઈવરો હોય છે.