અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીને ઝેડ કેટેગરીનું સુરક્ષા કવચ મળશે. અબજપતિ ઉદ્યોગપતિ સામેના જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમને સશસ્ત્ર કમાન્ડોનું સુરક્ષા કવચ પૂરું પાડવાની દરખાસ્તને તાજેતરમાં મંજૂરી આપી છે.
મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે ઝેડ કેટેગરીના વીઆઇપી સુરક્ષા કવચ માટે થનારા ખર્ચનો બોજ અદાણી ગ્રૂપના ચેરમેન પોતે ઉઠાવશે. ઝેડ કેટેગરીની સુરક્ષા હેઠળ કુલ 33 સિક્યોટી ગાર્ડની સુરક્ષા મળશે. આ પહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીને ઝેડ કેટેગરીની સુરક્ષા મળી હતી. અંબાણી દંપત્તિ પણ તેમની સુરક્ષા માટેના ખર્ચની રકમ માસિક ધોરણે સંબંધિત સુરક્ષા દળોને ચુકવે છે.
ગૌતમ અદાણીની સંપત્તિમાં તાજેતરના વર્ષોમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. હાલમાં આશરે 125 અબજ ડોલરની કુલ નેટવર્થ સાથે તેઓ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ચોથા સ્થાને છે. ગૌતમ અદાણીને એક વાર કિડનેપ કરાયા હતા. મુંબઈમાં 2008માં તાજ હોટેલ પર આતંકી હુમલો થયો ત્યારે ગૌતમ અદાણીના જીવન સામે જોખમ ઊભું થયું હતું. આતંકી હુમલાના સમયે અદાણી તાજ હોટેલમાં ડિનર કરી રહ્યાં હતા.