ભારતીય મૂળના લંડન નજીકના વોટફોર્ડના 16 વર્ષીય કિશોર યુવાન ઠક્કરને કેન્સરનું નિદાન થયા બાદ તેનું જીવન બદલી નાખતી યુકેની સૌપ્રથમ કેન્સરની સારવાર આપવામાં આવી છે. યુવાન ઠક્કર NHSની કેન્સર ડ્રગ્સ ફંડ (CDF)ની tisagenlecleucel (Kymriah) નામની અગ્રણી CAR T થેરાપીનો લાભ મેળવનાર યુકેમાં પ્રથમ બાળક બન્યો હતો.
નેશનલ હેલ્થ સર્વિસ (NHS) આ સપ્તાહના અંતમાં 100,000 દર્દીઓને CDF ની મદદથી નવીનતમ અને સૌથી નવીન સારવાર આપનાર છે. આવી સારવારનો અઘોષિત ખર્ચ ફંડ દ્વારા આવરી લેવામાં આવે છે.
યુવાને કહ્યું હતું કે “લંડનમાં ગ્રેટ ઓરમોન્ડ સ્ટ્રીટ હોસ્પિટલ (GOSH)માં જ્યારથી મને CAR T થેરાપી મળી ત્યારથી મારું જીવન ઘણું બદલાઈ ગયું છે અને હું તેમનો “અતુલ્ય” સંભાળ માટે આભાર માનું છું. મારે હોસ્પિટલની ઘણી બધી ટ્રિપ્સ કરવી પડી હતી અને લાંબા સમય સુધી શાળાની બહાર રહેવું પડ્યું હતું. પણ હવે હું કુટુંબમાં હળવા-મળવાનો, અદ્ભુત રજાઓ પર જવાનો, સ્નૂકર અથવા પૂલ રમવાનો, મિત્રોને મળવા જેવી ઘણી બધી બાબતોનો આનંદ માણી શકું છું. જો સારવાર ઉપલબ્ધ ન હોત તો બધું કેવું હોત તેની કલ્પના કરવી મુશ્કેલ છે.”
યુવાન ઠક્કરને છ વર્ષની વયના લ્યુકેમિયાના સ્વરૂપમાં નિદાન થયું હતું. તેની સારવાર 2019માં શરૂ થઈ ત્યારે તે 11 વર્ષનો હતો. ત્યારે તેને કીમોથેરાપી અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી અન્ય સારવારો આપવામાં આવી હતી.
તેની માતા સપનાએ કહ્યું કે સારવારની સફળતા બાદ પરિવારને જીવનમાં “બીજી તક” મળી છે. CDF દ્વારા ઉપલબ્ધ ફાસ્ટ-ટ્રેક ઍક્સેસ વિના મારા પુત્ર માટે જીવનરક્ષક સારવાર મેળવવા માટે અન્ય કોઈ રસ્તો ન હોઈ શકે. અમને એવું લાગ્યું છે કે આખરે અમારી પ્રાર્થનાનો જવાબ મળ્યો છે અને અમે તમામ ડૉક્ટરો અને નર્સોના આભારી છે.’
CDFનો ઉપયોગ NHS ઈંગ્લેન્ડ દ્વારા દર્દીઓને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સેલન્સ (NICE) દ્વારા મંજૂર કરાયેલ તમામ નવી કેન્સર સારવાર માટે ઝડપી-ટ્રેક ઍક્સેસ કરવા માટે કરાય છે.
NHSના રાષ્ટ્રીય મેડિકલ ડાયરેક્ટર પ્રોફેસર સર સ્ટીફન પોવિસે જણાવ્યું હતું કે “આ મહત્વપૂર્ણ ભંડોળ દર્દીઓને સૌથી વધુ આશાસ્પદ દવાઓ મેળવવાની ખાતરી કરવામાં મદદ કરે છે.”
આ ફંડ સ્તન, ફેફસાં, કોલોરેક્ટલ અને પ્રોસ્ટેટ, અંડાશય, સર્વાઇકલ, કીડની, સ્કીન, માયલોમા, લિમ્ફોમા અને લ્યુકેમિયા અને થાઇરોઇડ સહિત દુર્લભ કેન્સર ધરાવતા લોકોને લાભ આપે છે.
£340 મિલિયનનું વર્તમાન CDF બજેટ અગાઉના CDF કરતાં 70 ટકા વધુ છે અને તેનો ઉપયોગ NHS ઇંગ્લેન્ડના £340 મિલિયનના ઇનોવેટિવ મેડિસિન ફંડની સાથે થાય છે.