એનએચએસ દ્વારા વેક્સીનેશનનો પ્રોગ્રામ તેના અંતિમ તબક્કામાં પ્રવેશ્યો છે અને કોવિડ-19 રસીકરણ માટે 18થી 20 વર્ષની વયના 1.5 મિલિયન યુવાનોને બોલાવવામાં આવી રહ્યા છે. એન.એચ.એસ.ના ચીફ એક્ઝિક્યુટિવ સર સાયમન સ્ટીવન્સે જણાવ્યું હતું કે ‘’સ્ટાફ અને સ્વયંસેવકો દેશની રક્ષા માટે આખરી દબાણ આપી રહ્યા છે.”
ઇમ્પીરિયલ કોલેજ લંડનના અધ્યયનમાં જણાવાયું છે કે, ભારતમાં પ્રથમવાર શોધી કાઢવામાં આવેલા વધુ ટ્રાન્સમિસિબલ ડેલ્ટા વેરિયન્ટના ફેલાવાને કારણે, નાની વયના લોકો માટે રસીકરણ વધુ અગત્યનું બન્યું છે. ઇંગ્લેન્ડમાં 21-22 વર્ષની વયના લગભગ 972,000 લોકોને બુધવારે એપોઇન્ટમેન્ટ બુક કરવા આમંત્રણ અપાયું છે. જુલાઇના અંત સુધીમાં દરેક વયસ્કને પ્રથમ ડોઝ આપવાનું સત્તાવાર લક્ષ્યાંક છે.
વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્યું હતું કે “પ્રોગ્રામ શરૂ થયાના 200 દિવસ કરતા પણ ઓછા સમયમાં બધા પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવો એ આપણા દેશની સૌથી મોટી સામૂહિક સિદ્ધિ છે, જેના કારણે અત્યાર સુધીમાં 14,000થી વધુ લોકોનો જીવ બચ્યો છે. હું એનએચએસ સ્ટાફ, સૈન્ય, સ્વયંસેવકો, ઉત્પાદકો અને સામેલ બધા લોકોનો પૂરતો આભાર માની શકતો નથી.”
આવતા સપ્તાહે ફાઇઝર રસીનો સપ્લાય મર્યાદિત થવાની ધારણા છે પરંતુ સરકાર ટ્રેક પર રહેવા બાબતે વિશ્વાસ રાખે છે.