રેલવેના ઈતિહાસમાં પહેલીવાર મુસાફરોને સ્થાનિક વાનગી (પ્રાદેશિક ભોજન)નું મેનુ કાર્ડ આપવામાં આવશે. ડાયાબિટીસના દર્દીઓ, બાળકો અને આરોગ્ય પ્રત્યે જાગૃત મુસાફરોને હવે ઓન-બોર્ડ વિકલ્પોની શ્રેણી પ્રદાન કરવામાં આવશે. મંગળવારે રેલવે બોર્ડના આદેશમાં કહેવામાં આવ્યું છે કે IRCTCને સ્થાનિક અને પ્રાદેશિક ભોજન તેમજ ડાયાબિટીસના દર્દીઓ, બાળકો અને આરોગ્ય પ્રેમીઓ માટે યોગ્ય ખોરાકનો સમાવેશ કરવા માટે તેમના મેનુમાં ફેરફાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “ટ્રેનમાં કેટરિંગ સેવાઓમાં સુધાર કરવામાં આવી રહ્યો છે. આને આગળ વધારતા, IRCTCને મેનુને કસ્ટમાઇઝ કરવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી કરીને પ્રાદેશિક ભોજન, મોસમી વાનગીઓ, તહેવારોના ભોજન અને મુસાફરોની વ્યક્તિગત પસંદગીઓના આધારે અન્ય વ્યંજનોનો સમાવેશ કરી શકાય. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રેલ્વે બોર્ડ ભોજનનું મેનુ નક્કી કરતું હતું. રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર જેવા દક્ષિણ અને પશ્ચિમી રાજ્યોના મુસાફરો તરફથી એવી ફરિયાદો આવી હતી કે તેઓને પ્રાદેશિક ભોજન મળતો નથી કારણ કે રેલવે પાસે માત્ર એક જ પ્રકારની ખાણા-પીણી છે.
ગુજરાત જતી ટ્રેનોમાં ફાફડા, ઢોકળા અને અને મહારાષ્ટ્ર જતી ટ્રેનોમાં વડાપાવ જેવી સ્થાનિક વાનગીઓ મળશે. મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં એમઆરપી પર અ-લા-કાર્ટે ફૂડ અને બ્રાન્ડેડ ખાદ્યપદાર્થોના વેચાણની મંજૂરી આપવામાં આવશે. આવા અ-લા-કાર્ટે ભોજન માટે મેનુ અને શુલ્ક IRCTC દ્વારા નક્કી કરવામાં આવશે.