કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારત વિરોધી દુષ્પ્રચાર કરતી અને ફેક ન્યૂઝ ફેલાવતી 20 યુટ્યુબ ચેનલ અને બે વેબસાઇટ્સ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. ઇન્ટિલિજન્સ એજન્સીઓ સાથે ગાઢ સંકલન બાદ આ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ચેનલો પાકિસ્તાનથી ઓપરેટ થતાં એક ગ્રૂપ દ્વારા ચલાવવામાં આવે છે.
મંત્રાલયે બે આદેશ જારી કર્યા હતા. તેમાં 20 ચેનલો બ્લોક કરવા માટે યુટ્યુબને આદેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ન્યૂઝ વેબસાઇટ બ્લોક કરવા ટેલિકોમ વિભાગને આદેશ આપ્યો હતો.મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ચેનલ અને વેબસાઇટ પાકિસ્તાનથી ઓપરેટ થતાં કો-ઓર્ડિનેટેડ ડિસઇન્ફર્મેશન નેટવર્ક સાથે જોડાયેલી છે અને ભારત અંગે વિવિધ સંવેદનશીલ મુદ્દા અંગે ફેક ન્યૂઝ ફેલાવે છે. કાશ્મીર, ઇન્ડિયન આર્મી, લઘુમતી સમુદાય, રામમંદિર, જનરલ બિપિન રાવત વગેરે જેવા મુદ્દા અંગે એકજૂથ થઈને વિભાજનવાદી માહિતી ફેલાવવા આ ચેનલોનો ઉપયોગ થાય છે.
માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે 20 યુટ્યુબ ચેનલ અને બે વેબસાઇટ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. ફેક ન્યૂઝ ફેલાવીને ભારતમાં અશાંતિ ઊભી કરવા માગતી સીમા પરની પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાંથી ઓપરેટ થતાં નયા પાકિસ્તાન ગ્રૂપ (એનપીજી) દ્વારા ભારત વિરોધી ખોટી માહિતી ફેલાવામાં આવે છે. આ ગ્રૂપમાં યુટ્યુબ ચેનલનું નેટવર્ક છે.
મંત્રાલયે 20 યુટ્યુબ ચેનલની યાદી બહાર પાડી હતી. આ ચેનલો ગ્રાહકપાયો 35 લાખ છે અને તેના વીડિયોને આશરે 55 કરોડ વ્યૂ મળ્યા છે. નયા પાકિસ્તાન ગ્રૂપની કેટલીક ચેનલ પાકિસ્તાન ન્યૂઝ ચેનલ્સના એન્કર્સ ઓપરેટ કરે છે. આ ચેનલોમાં ખેડૂતોના આંદોલન, સિટિઝનશિપ એક્ટ જેવા મુદ્દા પર પોસ્ટ કરવામાં આવે છે અને લઘુમતીઓને ભડકાવવાનો પ્રયાસ થાય છે. 20 ચેનલોમાંથી 15નું સંચાલન એનપીજી કરે છે.
કઇ ચેનલો બ્લોક કરાશે
આ ચેનલોમાં પંચ લાઇન, ઇન્ટરનેશનલ વેબ ન્યૂઝ, ખાલસા ટીવી, નેકિડ ટ્રુથ, 48 ન્યૂઝ, ફિક્શન, હિસ્ટોરિકલ ફેક્ટ્સ, પંજાબ વાઇરલ, નયા પાકિસ્તાન ગ્લોબલ, કવર સ્ટોરી, ગો ગ્લોબલ ઇ-કોમર્સ, જુનૈદ હલીમ ઓફિશિયલ, તૈયબ હનિફ, ઝૈન અલી ઓફિશિયલ, મોહસિન રાજપુર ઓફિશિયલ, કનીઝ ફાતિમા, સદાહર દુરાની, મિયા ઇમરાન ખાન વગેરનો ચેનલનો સમાવેશ થાય છે.