યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબના ભૂતપૂર્વ ખેલાડી અઝીમ રફીકે સંસ્થા સામે રેસિઝમનો આક્ષેપ મુકતા ખળભળાટ મચી ગયો છે અને તેના પડઘા રાષ્ટ્રીય સ્તરે પડ્યા છે. અગાઉ આ મામલે કોઈ સામે પગલાં નહીં લેવાનું વલણ ક્લબે દાખવ્યા પછી ભારે હોબાળો થયાના પગલે ગયા સપ્તાહે ક્લબના ચેરમેન રોજર હટ્ટને રાજીનામું આપવું પડ્યું હતું. લોર્ડ કમલેશ પટેલ તેના સ્થાને નવા ચેરમેન બન્યા હતા.
આ ભૂતપૂર્વ ખેલાડીએ જણાવ્યું હતું કે, તે 16 વર્ષની ઉંમરનો હતો ત્યારે એક કર્મચારીએ તેની સાથે વંશીય દુર્વ્યવહાર કર્યો હતો. આ ઘટનામાં પછી થયેલી ઢીલી તપાસ વડા પ્રધાન બોરિસ જોન્સન સહિતના વરિષ્ઠ પ્રધાનોએ વખોડી કાઢીને નારાજગી વ્યક્ત કરી હતી. વરિષ્ઠ પ્રધાનોએ યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબમાં રેસિઝમ બાબતે જણાવ્યું હતું કે, અઝીમ રફિકના મામલે ક્લબના વડાઓએ પણ પોતાની ભૂમિકા ભજવવી જોઇએ. રેસિઝમના મામલે પાકિસ્તાની બ્રિટિશર, હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે પણ ક્લબ સામે નારાજગી દર્શાવી હતી. તેમણે એવી માગણી કરી હતી કે, ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે (ECB) યોર્કશાયર ઉપર પ્રતિબંધો લાદવા જોઈએ. ઈસીબી હવે આ મામલે તપાસ કરી રહ્યું છે. જાવિદે ટ્વીટ કર્યું કે, ‘પાકી’ એ મજાક નથી. ‘ECB કોઇ પગલાં ન ભરે તો તેના અસ્તિત્ત્વનો કોઈ મતલબ જ રહેતો નથી.’ આ મામલે ક્લબમાં જવાબદારોએ રાજીનામા આપવા જોઈએ કે પછી તેમની હકાલપટ્ટી થવી જોઈએ.
કલ્ચરલ સેક્રેટરી નેડિન ડોરીસે આ કેસમાં ECB પાસેથી ‘ઝડપી અને સંપૂર્ણ પારદર્શક’ તપાસની માગણી કરી છે. તેમણે ટ્વીટર પર જણાવ્યું હતું કે, ‘અઝીમ રફિકે રેસિઝમનો સામનો કર્યા પછી તે અંગે જે કાર્યવાહી થઇ તે ઘૃણાસ્પદ હતી, અને આ ઘટના પછીની તપાસે તેને વધુ ખરાબ બનાવી છે. રેસિઝમનો સામનો કરવો જ જોઇએ, અને તેને ક્યારેય માત્ર ‘મજાક’ તરીકે લખવું ન જોઇએ.’
સ્પીન બોલર અઝીમ રફિકનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. તેના સાથી ખેલાડીઓએ તેની સાથે એક ‘દ્વેષપૂર્ણ અને પજવણી’ના અભિયાન હેઠળ રેસિઝમ આચર્યું હતું, જેના કારણે તેની આંખમાં આંસુ આવી જતા હતા અને તેને આપઘાત કરવાના વિચારો પણ આવતા હતા.
નિષ્પક્ષ તપાસમાં એ તારણ મળ્યું હતું કે, 30 વર્ષના રફિક ‘વંશભેદી પરેશાની અને દાદાગીરી’નો ભોગ બન્યો હતો, યોર્કશાયરના સત્તાવાળાઓએ ક્લબમાં કોઈની સામે શિસ્તભંગના કોઈ પગલાં નહીં લેવાનું નક્કી કર્યું. મહિનાઓ સુધી આ મામલો અટક્યા પછી, પ્રેસ-મીડિયામાં વિગતો લીક થાય તે અગાઉ ક્લબે તાજેતરમાં તપાસની માત્ર મુખ્ય વિગતો જાહેર કરી હતી.
આ મામલે બીજા એક ક્રિકેટર ઇરફાન અમજદે દાવો કર્યો હતો કે, એક કર્મચારીએ તેની બેટિંગ સ્ટાઇલની ટીકા કરવા તેના પાકિસ્તાની મૂળ સંબંધિત શબ્દનો ઉપયોગ કર્યો હતો.
યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘જે લોકોને રેસિઝમ, ભેદભાવ અને દુર્વ્યવહારનો અનુભવ થયો છે તેમણે તેમના અનુભવો જણાવવા આગળ આવવું જોઇએ. અમે આ આક્ષેપોથી અત્યાર સુધી અજાણ હતા પરંતુ હવે તેની યોગ્ય રીતે તપાસ કરાવીશું.’
મીડિયા સાથે આ બાબતે ચર્ચા કરવાનો અમજદનો નિર્ણય અઝીમ રફિક દ્વારા યોર્કશાયર ખાતે તેનો અનુભવ દર્શાવે છે, જેની તેણે પ્રથમવાર સપ્ટેમ્બર 2020માં જાહેરમાં ચર્ચા કરી હતી, અને તેના કારણે તે આત્મઘાતી પગલું ભરવાનો હતો.રફિકે ઉઠાવેલા મુદ્દાઓ મામલે યોર્કશાયરની નીતિની વ્યાપક ટીકા થઇ હતી – અને 1 નવેમ્બરે ESPN દ્વારા એવો રીપોર્ટ આપવામાં આવ્યો હતો કે રફિકના પાકિસ્તાની મૂળ અંગેના વંશભેદી શબ્દનો નિયમિત રીતે તેની સામે ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ તપાસના તારણમાં તે ‘મૈત્રીપૂર્ણ’ હોવાનું જણાવવામાં આવ્યું હતું.
ગત શુક્રવારે યોર્કશાયરના ચેરમેન રોજર હટ્ટને રાજીનામું આપ્યું હતું અને સોમવારે લોર્ડ પટેલે તેમનું સ્થાન લીધું હતું અને પટેલે પદ સંભાળતા વ્હિસલબ્લોઅર તરીકે રફિકની ‘નીડરતા’ની પ્રશંસા કરી હતી.
આ મામલે સાંસદોની કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ સિલેક્ટ કમિટીએ યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબના ચેરમેન રોજર હટ્ટનને સંસદમાં પ્રશ્નોના જવાબ આપવા માટે બોલાવ્યા છે. કમિટીના ચેરમેન જુલિયન નાઈટે જણાવ્યું હતું કે, ક્લબના હોદ્દેદારોની હકાલપટ્ટી કરવી જોઈએ. યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબમાં રેસિઝમ જોતાં, બોર્ડે શા માટે હોદ્દા પર રહેવું જોઈએ. આધુનિક ક્રિકેટ ઈતિહાસમાં આ સૌથી દ્વેષપૂર્ણ અને નિરાશ કરનારી ઘટના છે.’ યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘અમે સ્વીકારીએ છીએ કે જેઓ અમારાથી નિરાશા અનુભવે છે તેમનો વિશ્વાસ ફરી સંપાદિત કરવા માટે અમારે સખત મહેનત કરવી પડશે. અમે પેનલની ભલામણોનો અમારી વૈવિધ્યતા અને સમાવેશક કાર્ય યોજનાઓમાં સમાવેશ કરવા કટિબદ્ધ છીએ.’