(REUTERS Photo)

ટેનિસ ઓસ્ટ્રેલિયાએ આ મહિને શરૂ થનારી ગ્રાંડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપન માટે સર્બીઆના ખેલાડી અને વિશ્વના ટોચના સ્પર્ધકોમાંના એક, નોવાક યોકોવિચને કોરોના વિરોધી રસી નહીં લીધી હોવા છતાં રમવાની મંજુરી આપી હોવા છતાં ઓસ્ટ્રેલિયાની સરકારે યોકોવિચને માટે નિયમોમાં કોઈ છુટછાટ નહીં અપાય તેવી જાહેરાત કર્યા પછી ગયા સપ્તાહે ઓસ્ટ્રેલિયા પહોંચેલા યોકોવિચના સરકારે અટકાયત કરી મેલબોર્નમાં ડીટેન્શન સેન્ટરમાં કેદ કર્યો હતો.

યોકોવિચે પોતાના વીસા રદ કરવાના ઓસ્ટ્રેલિયન સરકારના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો, જેનો ચુકાદો સોમવારે (10 જાન્યુઆરી) આવતા જજે યોકોવિચને મુક્ત કરવાનો હુકમ આપ્યો હતો. જો કે, કોર્ટની સુનાવણી દરમિયાન જ સરકારના વકીલે એવું કહ્યું હતું કે, ચુકાદા છતાં સરકાર પાસે વિકલ્પ છે અને યોકોવિચના વીસા હજી પણ રદ થઈ શકે છે. ઓસ્ટ્રેલિયા સરકારના વિદેશ પ્રધાન પાસે પોતાની મુનસફી મુજબ આ વીસા રદ કરવાની કાયદેસરની સત્તા છે, હવે તેઓ એનો ઉપયોગ કરે છે કે કેમ તે જોવાનું રહે છે.

યોકોવિચે કોરોના વિરોધી રસી નહીં લેવા માટે કોર્ટમાં કરેલી રજૂઆત મુજબ તે થોડા સમય પહેલા જ કોરોનાગ્રસ્ત થયો હતો અને તે રોગમાં મુક્ત થયો હતો, તેના આધારે ઓસ્ટ્રેલિયાના નિયમાનુસાર તે રસી નહીં લીધા છતાં દેશમાં પ્રવેશી શકે છે અને ટેનિસ સ્પર્ધામાં રમી શકે છે.

યોકોવિચ માટે આ સ્પર્ધા વિશેષ મહત્ત્વની છે કારણ કે તે અહીં ચેમ્પિયન બને તો એ તેનું 21મું ગ્રાંડ સ્લેમ ટાઈટલ બને, જે વર્લ્ડ રેકોર્ડ સર્જશે.

બીજી તરફ, ચેક રીપબ્લિકની 38 વર્ષની મહિલા ટેનિસ ખેલાડી રેનાટા વોરાકોવાને પણ રસી નહીં લીધા છતાં ટેનિસ ઓસ્ટ્રેલિયાએ મંજુરી આપી હતી અને તેને પણ સરકારી એજન્સીએ અટકાયતમાં લીધી હતી. જો કે, વોરાકોવાએ સરકારનો નિર્ણય સ્વિકારી લીધો હતો અને તે વતન પરત જવા સંમત થઈ ગઈ હતી.