હિન્દુ વિરોધી ચિત્રણોને પગલે ભારતમાં છેલ્લાં કેટલાંક સમયથી બોયકોટ બોલિવૂડ ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને મોટાભાગની હિન્દી ફિલ્મો ફ્લોપ બની રહી છે. બીજી તરફ સાઉથ ઇન્ડિયાની ફિલ્મો જંગી કમાણી કરી રહી છે. બોલિવૂડની આ તમામ ચિંતાઓએ વચ્ચે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન અને હિન્દુવાદી નેતા યોગી આદિત્યનાથે તેમના રાજ્ય બોલિવૂડને આમંત્રણ આપવા માટે મુંબઈમાં બોલિવૂડ હસ્તીઓ સાથે બેઠક કરી હતી. ઉત્તર પ્રદેશ ફિલ્મ સીટીના પ્રમોશન અને પ્લાનિંગ અંતર્ગત યોજાયેલી આ બેઠકમાં અભિનેતા સુનિલ શેટ્ટીએ યોગી આદિત્યનાથને ‘બોયકોટ બોલિવૂડ’ ટ્રેન્ડ બંધ કરાવવા માટે રિકવેસ્ટ કરી હતી. તેમણે આ સંદર્ભમાં બોલિવૂડની લાગણી વડાપ્રધાન સુધી પહોંચાડવાની પણ રજૂઆત કરી હતી.
સુનિલ શેટ્ટીએ યોગીને કહ્યું હતું કે, તમે બોલિવૂડ સામે ચાલી રહેલો અને વિકટ બની ગયેલા સોશિયલ મીડિયા ટ્રેન્ડ ‘બોયકોટ બોલિવૂડ’ને બંધ કરવો. આ અંગે તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને પણ વાત કરો. બોલિવૂડમાં ક્રાઈમ અને ડ્રગ્સનું શાસન નથી. અમે આર્ટિસ્ટ તરીકે ભારતીય સંગીત અને આર્ટને દુનિયા સમક્ષ રજૂ કરીએ છીએ. આ ઈવેન્ટમાં સુનિલ શેટ્ટીની સાથે જેકી શ્રોફ, મનોજ જોશી, રાજપાલ યાદવ, પ્રોડ્યુસર રાહુલ મિત્રા સહિતના સેલેબ્રિટીઝ હાજર રહ્યા હતા.
‘બોયકોટ બોલિવૂડ’નો ઉદય સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસ સાથે થયો છે. સુશાંતની હત્યાની આશંકાની સાથે હિન્દુ ધર્મના સમર્થકો પણ ‘બોયકોટ બોલિવૂડ’ને સપોર્ટ કરી રહ્યા છે. આ પછી શાહરુખના પુત્રની ડ્રગમાં સંડોવણીને કારણે પણ આ ટ્રેન્ડને વેગ મળ્યો હતો.