ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા બુધવારે ભાજપને વધુ એક ફટકો પડ્યો હતો. ઓબીસી નેતા દારા સિંહ ચૌહાણે યોગી આદિત્યનાથ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું અને તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાય તેવી પ્રબળ સંભાવના છે. એક દિવસ પહેલા રાજ્યના શ્રમ પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્યથી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. ભાજપના બીજા ત્રણ ધારાસભ્યોએ પણ મંગળવારે પક્ષને તિલાંજલી આપી હતી.
યુપીના ઓબીસી નેતા સ્વામીપ્રસાદ મૌર્યે સમાજવાદી પાર્ટીમાં જોડાશે કે નહીં તેની સ્પષ્ટતા કરી ન હતી, પરંતુ સપાએ તેમને વેલકમ મેસેજ મોકલ્યો હતો.
યુપીમાં છેલ્લાં કેટલાંક દિવસથી ચાલુ થયેલી આ રાજકીય ગતિવિધિથી સમાજવાદી પાર્ટીનો નોન યાદવ ઓબીસી વર્ગમાં પ્રભાવ વધવાની શક્યતા છે. યુપીની વિધાનસભાની ચૂંટણીને હવે એક મહિનાનો પણ સમય નથી અને તેનાથી 2024ની લોકસભાની ચૂંટણીને પણ અસર થઈ શકે છે.
દારા સિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે તેમણે છેલ્લાં પાંચ વર્ષથી પૂરા સમર્પણ સાથે કામ કર્યું છે, પરંતુ ઓબીસી અને બેરોજગાર લોકોને ભાજપ સરકારમાં ન્યાય મળ્યો નથી. યોગી સરકારની રચના ગરીબોએ કરી હતી, પરંતુ છેલ્લાં પાંચ વર્ષમાં બીજા લોકો તમામ લાભ લઈ ગયા છે. ચૌહાણ યોગી સરકારમાં વન અને પર્યાવરણ પ્રધાન હતા. તેમણે દાવો કર્યો હતો કે તેમણે આ અંગે પક્ષના હાઇ કમાન્ડને માહિતી આપી હતી. પરંતુ તેમની અવગણના થઈ હતી, કારણ કે તેઓ પછાત અને દલિતો માટે અવાજ ઉઠાવતા હતા.