લિંકનશાયરના સ્કેગનેસના ચેપલ સેન્ટ લિયોનાર્ડ્સમાં નોર્થ સી ઓબ્ઝર્વેટરીના અંદર આવેલ સીસાઈડ કેફે ખાતે યોજાઇ રહેલા એક યોગા ક્લાસમાં શવાસનનો યોગ કરતા સાત લોકોને ઢળી પડેલા જોઇને કોઇએ સામૂહિક હત્યાકાંડ થયાની પોલીસને ફરિયાદ કરતા પાંચ પોલીસ કારનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. જો કે પોલીસે તપાસ કરતા હકિકતની ખાતરી થતા હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું. તો યોગ વર્ગ ટૂંકો કરવામાં આવ્યો હતો.
તા. 6 સપ્ટેમ્બરના રોજ પોલીસને ફોન કરનાર વ્યક્તિએ શંકા વ્યક્ત કરી હતી કે કોઈ ધાર્મિક માન્યતાથી સામુહિક હત્યાકાંડ થયાની શક્યતા છે.
પોલીસે કહ્યું હતું કે કોઈ નાગરિકે વધારે પડતી ચિંતાથી આ કોલ કર્યો હતો અને અમે તેને ગંભીરતાથી લીઘો હતો. ભલે આ પાગલ જેવી હરકત લાગે, પરંતુ ફોન સારા ઈરાદાથી કરાયો હતો. આ સ્થળે બુધવારે સાંજે 7.30 થી 9 વાગ્યા સુધી ન્યૂ મૂન યોગા વર્ગો યોજવામાં આવે છે.