પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશનના ચીફ એક્ઝિક્યુટિવ ડો. રુક્ષ્મણી બેનરજી અને પ્રખ્યાત ઇકોનોમિસ્ટ પ્રોફેસર એરિક એ હનુશેકનું 2021ના યીડાન પુરસ્કારથી બહુમાન કરવામાં આવ્યું હતું. એજ્યુકેશન ક્ષેત્રમાં વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત ગણાતો આ એવોર્ડ શિક્ષણના વિવિધ પાંસાના ઉકેલ, શિક્ષણની ગુણવત્તામાં સુધારો અને વિદ્યાર્થીઓ પર તેના નિષ્કર્ષ પર પાયાની કામગીરી કરનારા વ્યક્તિઓને આપવામાં આવે છે.
પ્રખ્યાત શિક્ષણ નિષ્ણાતોની બનેલી સ્વતંત્ર નિર્ણાયક સમિતિની આકરી પ્રોસેસ બાદ આ બંનેની પસંદગી કરવામાં આવી હતી. ડો. બેનરજીની પસંદગી એજ્યુકેશન ડેવલપમેન્ટ માટેના યીડાન પ્રાઇઝ માટે થઈ છે, જ્યારે પ્રોફેસર હનુશેકને એજ્યુકેશન રિસર્ચ માટે આ એવોર્ડ મળ્યો છે.
2016માં આ પુરસ્કારની જાહેરાત થઈ હતી અને તે પછી નવ હસ્તીઓને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. યીડાન પ્રાઇઝ ફાઉન્ડેશન દ્વારા આ પુરસ્કારની શરૂઆત થઈ હતી. આ ફાઉન્ડેશન વૈશ્વિક ફિલાન્થ્રોપિક એજ્યુકેશન ફાઉન્ડેશન છે તથા શિક્ષણમાં પ્રગતિ અને પરિવર્તનને પ્રોત્સાહન આપે છે.
એવોર્ડ વિજેતાને 15 મિલિયન હોંગકોંગ ડોલર (1.4 મિલિયન પાઉન્ડ)નું પ્રોજેક્ટ ફંડ મળે છે. આ ઉપરાંત તેમને ગોલ્ડ મેડલ અને 15 મિલિયન હોંગકોંગ ડોલરનું રોકડ ઇનામ મળે છે.
મુંબઈ સ્થિત ઓર્ગેનાઇઝેશના વડા ડો. બેનરજીને લર્નિંગ આઉટકમમાં સુધારામાં યોગદાન બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. બેનરજી અને તેમની ટીમે ભારતમાં એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ એસેસમેન્ટનો પ્રારંભ કર્યો હતો. યીડાન એવોર્ડના સમર્થન સાથે ડો. બેનરજી નાના બાળકોમાં તેમની પ્રથમ ટીમના કાર્યને મજબૂત અને વિસ્તૃત બનાવવાની યોજના ધરાવે છે, જેથી બાળકોમાં શરૂઆતથી મજબૂત પાયો નાંખી શકાય.
અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની હૂવેર ઇન્સ્ટીટ્યૂશન ઓફ પોલ એન્ડ જીન હન્ના સિનિયર ફેલો પ્રોફેસર હનુશેકને એજ્યુકેશન રિસર્ચ માટે 2021 યીડાન એવોર્ડ આપવામાં આવ્યો છે. તેઓ એજ્યુકેશન આઉટકમ અને ટીચિંગ ક્વોલિટીના મહત્ત્વ પર ફોકસ કરે છે. હનુશેકના યોગદાનથી યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ-4 તૈયાર કરવામાં મદદ મળી હતી. યીડાન એવોર્ડના ફંડિંગથી પ્રોફેસલ હનુશેક આફ્રિકામાં રિસર્ચ ફેલો પ્રોગ્રામ સ્થાપવા માગે છે.