યસ બેન્કના સ્થાપક રાણા કપૂરની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ 20 ક્લાકની સઘન પૂછપરછ પછી રવિવારે વહેલી સવારે ધરપકડ કરી લીધી હતી. ઈડીએ રાણા કપૂરને રવિવારે મુંબઈની પીએમએલએ કોર્ટમાં હાજર કર્યો હતો, જ્યાં તેને પૂછપરછ માટે 11 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દેવાયો છે.
યસ બેન્ક સંબંધિત કેસોમાં ઈડી પછી હવે સીબીઆઈએ પણ તપાસ શરૂ કરી છે. સીબીઆઈએ રાણા કપૂરની ત્રણ પુત્રીઓની માલિકીની કંપનીને લોન સ્વરૂપે રૂ. 600 કરોડની કથિત લાંચ મેળવવા બદલ રાણા કપૂર સામે એફઆઈઆર નોંધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગના આરોપો હેઠળ કાર્યવાહી કરતાં રાણા કપૂરની રવિવારે ધરપકડ કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે રાણા કપૂર તપાસમાં સહયોગ આપતા ન હોવાથી રવિવારે પરોઢે 3.00 વાગ્યે મની લોન્ડરિંગના કાયદા પીએમએલએની જોગવાઈઓ હેઠળ તેની ધરપકડ કરાઈ હતી. કેન્દ્રીય તપાસ એજન્સીએ કપૂરના આવાસ પર શુક્રવારે રાતે દરોડો પાડયો હતો ત્યાર બાદ લગભગ 20 કલાક કરતાં વધુ સમય સુધી તેની પૂછપરછ કરાઈ હતી.
કેન્દ્રીય તપાસ એજન્સી કપૂર, તેની પત્ની અને ત્રણ પુત્રીઓ સામે મુખ્યત્વે દીવાન હાઉસિંગ ફાઈનાન્સ લિ. (ડીએચએફએલ)ને લોન આપવા માટે રૂ. 600 કરોડની લાંચ લેવાના કેસની તપાસ કરી રહી છે.
ઈડીએ દાવો કર્યો હતો કે યસ બેન્કે ડીએચએફએલને રૂ. 3,700 કરોડથી વધુની લોન આપી હતી. પાછળથી બેન્કે ડીએચએફએલની એનપીએ થઈ ગયેલી લોન પાછી મેળવવા કોઈ પગલાં લીધા નહોતા અને આ માટે કપૂરની પુત્રીની કંપની ડીઓઆઈટી અર્બન વેન્ચર્સ (ઈન્ડિયા) મારફત રૂ. 600 કરોડની લાંચ મેળવી હતી.
આ કેસોમાં તપાસનો દાયરો વધારતા કેન્દ્રીય તપાસ એજન્સીએ પુરાવા એકત્ર કરવા માટે દિલ્હી અને મુંબઈમાં રાણા કપૂરની ત્રણ પુત્રીઓના પરિસારો પર પણ દરોડા પાડયા હતા. આ સાથે ઈડીએ રાણા કપૂરની પત્ની બિંદુ કપૂર, પુત્રીઓ રાખી કપૂર ટંડન, રાધા કપૂર અને રોશની કપૂર સામે લૂકઆઉટ નોટીસ પણ જાહેર કરી છે. રવિવારે રાણા કપૂરની પુત્રી રોશની કપૂરને મુંબઈ એરપોર્ટ પરથી લંડન જતા અટકાવાઈ હતી.
યસ બેન્કમાં નાણાકીય અનિયમિતતા અને તેના સંચાલનમાં દુર્વ્યવહારના આરોપો સામે આવ્યા છે અને આરબીઆઈ તથા કેન્દ્ર સરકારે તેની સામે કાર્યવાહી શરૂ કરી છે તેવા સમયે ઈડીએ રાણા કપૂરની ધરપકડ કરી છે. યસ બેન્કમાં નાણાકીય ગેરરીતિઓના પગલે આરબીઆઈએ તાજેતરમાં બેન્કના બોર્ડને વિખેરી નાંખ્યું હતું અને બેન્કને એક મહિના માટે મોરેટિયમ પિરિયડ્સમાં નાંખતા ખાતેદારોને ઉપાડ પર રૂ. 50,000ની મર્યાદા મૂકી છે.
ઈડી ઉપરાંત હવે સીબીઆઈએ પણ રવિવારે રાણા કપૂર, ડીએચએફએલ, ડીઓઆઈટી અર્બન વેન્ચર્સ સામે ગુનાઈત કાવતરૂં, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર બદલ એફઆઈઆર દાખલ કરી છે. સીબીઆઈની એફઆઈઆર મુજબ રાણા કપૂરે યસ બેન્ક મારફત ડીએચએફએલના શોર્ટ-ટર્મ ડીબેન્ચર્સમાં રૂ. 3,700 કરોડનું રોકાણ કરતાં એપ્રિલ અને જૂન 2018 વચ્ચે આ કૌભાંડની શરૂઆત કરી હતી.