બોમ્બે હાઇ કોર્ટે હોમ ફાઇનાન્સ કંપની DHFL સંબંધિત કેસમાં યસ બેન્કના સ્થાપક રાણા કપૂરની પત્ની બિન્દુ તથા પુત્રીઓ રોશની અને રાધા કપૂરને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.
કોર્ટે નોંધ્યું હતું કે આરોપીઓએ કરેલા ગુનાથી દેશની નાણાકીય તંદુરસ્તીને ગંભીર ફટકો પડ્યો છે. જસ્ટિસ ભારતી ડાંગરેએ યસ બેન્કના ગ્રૂપ પ્રેસિડન્ટ અને બિઝનેસ વડા રાજીવ આનંદની જામીન અરજી પણ ફગાવી દીધી હતી. તેઓ પણ આ કેસમાં સહ-આરોપી છે. કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે તે દેખિતું છે કે આ તમામ અરજદારોએ સામે એવા ગુનાનો આરોપ છે કે તેનાથી દેશની નાણાકીય તંદુરસ્તને ગંભીર ફટકો પડ્યો છે અને જાહેર જનતા સાથે છેતરપિંડી કરવામાં આવી છે.
સીબીઆઇની વિશેષ અદાલતે જામીન આપવાનો ઇનકાર કર્યા બાદ ગયા સપ્તાહે બિન્દુ કપૂર અને તેમની પુત્રીઓએ હાઇ કોર્ટમાં જામીન અરજી કરી હતી. સીબીઆઇ કોર્ટે જણાવ્યું હતું કે કથિત ગેરકાયદે વ્યવહારો મારફત યસ બેન્કને રૂા.4,000 કરોડનું નુકસાન થયું હતું.