આશરે એક સપ્તાહની અનિશ્ચિતતા બાદ કર્ણાટકના મુખ્યપ્રધાન બી એસ યેદિયુરપ્પા સોમવારે તેમના હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં ભાજપ સરકારના બે વર્ષ પૂરા થવા અંગેના કાયક્રમમાં આ અંગેની જાહેરાત કરતાં તેમણે જણાવ્યું હતું કે હું લન્ચ પછી ગવર્નરને મળીશ અને તેમને રાજીનામું આપીશ. 78 વર્ષીય યેદિરુરપ્પાએ રાજીનામા માટે આરોગ્યનું કારણ આપ્યું હતું અને ભાવુક થઈને જણાવ્યું હતું કે હું હંમેશાં અગ્નિપરીક્ષામાંથી થયો છું.
બી એસ યેદિયુરપ્પા દ્વારા રાજીનામાની જાહેરાત બાદ દિલ્હીમાં પણ હલચલ તેજ થઈ હતી. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કર્ણાટક પ્રભારી અરૂણ સિંહ સાથે ચર્ચા કરી હતી. એવું માનવામાં આવે છે કે, ટૂંક સમયમાં જ ઓબ્ઝર્વરના નામની જાહેરાત કરવામાં આવશે અને ત્યાર બાદ નવા મુખ્યપ્રધાનની પસંદગી કરવામાં આવશે.
યેદિયુરપ્પાની લિંગાયત સમુદાય પર મજબૂત પકડ છે. તેમના રાજીનામા પછી ભાજપ માટે સૌથી મોટો પડકાર આ સમુદાયને રાજી રાખવાનો છે. રવિવારે જ વિવિધ લિંગાયત મઠોના 100થી વધુ સંતોએ યેદિયુરપ્પાની મુલાકાત કરીને તેમના સમર્થનની રજૂઆત કરી હતી. સંતોએ ભાજપને ચેતાવણી આપી હતી કે જો તેમને હટાવવામાં આવ્યા, તો પરિણામ ભોગવવા પડશે.
યેદિયુરપ્પાની જગ્યાએ લિંગાયત સમુદાયમાંથી બીજા કોઈ પ્રધાન કે ધારાસભ્યને મુખ્યપ્રધાન બનાવવામાં આવી શકે છે. હાલમાં બસવરાજ બોમ્મઈ મુખ્યપ્રધાનના દાવેદાર ગમાય છે.. બોમ્મઈ લિંગાયત સમુદાયમાંથી આવે છે અને કર્ણાટક સરકારમાં ગૃહપ્રધાન સાથે સંસદીય કાર્યપ્રધાન અને કાયદા પ્રધાન છે.