ભારતના પૂર્વીય દરિયાકાંઠે બુધવારે સવારે ત્રાટકેલા યાસ વાવાઝોડાએ પશ્ચિમ બંગાળ અને ઓડિસામાં ભારે વિનાશ વેર્યો હતો અને ઓછામાં ઓછા ચારના મોત થયા હતા. ઓડિશામાં ત્રણ અને બંગાળમાં એકનું મોત થયું હતું. તિકલાક 130થી 145ની ઝડપથી પવન સાથે ત્રાટકેલા વાવાઝોડાથી બંગાળમાં એક કરોડ લોકો અસરગ્રસ્ત બન્યા હોવાનો રાજ્ય સરકારે દાવો કર્યો હતો. વાવાઝોડુ બુધવારે સવારે 9 વાગ્યે ઓડિશાના ધામરા પોર્ટ પર ત્રાટક્યું હતું. વાવાઝોડાથી પગલે 20 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
પશ્ચિમ બંગાળની મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ બુધવારે કહ્યું હતું કે, યાસ વાવાઝોડાના કારણે બંગાળમાં ઓછામાંઓછા એક કરોડ લોકો પ્રભાવિત થયા છે. યાસના કારણે 15 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. બંગાળમાં 3 લાખ ઘરોને નુક્સાન થયું હતું.
યાસ વાવાઝોડાના કારણે નદીઓનું જળસ્તર વધવાથી પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓ મેદિનીપુર અને દક્ષિણ 24 પરગણાના ઘણા વિસ્તારોમાં બુધવારે પાણી ભરાઇ ગયુ હતું. આ દરમિયાન પાણીમાં વહેતી કારો પણ દેખાઇ રહી હતી. ચક્રવાતના કારણે દરિયામાં બે મીટરથી વધુ ઊંચા મોજા ઉછળ્યા હતા. અધિકારીઓ જણાવ્યું કે, વધતા જળસ્તરના કારણે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ઘણા સ્થાનો પર ડેમ છલકાઈ ગયા હતા જેના કારણે ઘણા ગામડાઓ અને નાના કસ્બાઓ પાણી ભરાયું હતું. વિદ્યાધારી, હુગલી અને રૂપનારાયણ સહિત ઘણી નદીઓનું જળસ્તર વધી ગયું હતું.