ભૂતપૂર્વ ક્રિકેટર અને 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતના વિજયમાં મોટું યોગદાન આપનાર યશપાલ શર્માનું મંગળવારે અવસાન થયું હતું. 66 વર્ષની ઉંમરે હૃદયરોગનો હુમલો આવતાં તેમનું નિધન થયું હતું.
તેમના મૃત્યુના સમાચારથી ખેલજગતમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ હતી. યશપાલ શર્માના નિધનના સમાચાર સાંભળીને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. એક ટીવી ચેનલ સાથેની વાતચીત દરમિયાન કપિલ દેવની આંખો ભીંની થઈ હતી.
યશપાલ શર્માનો જન્મ 11 ઓગસ્ટ 1954ના રોજ પંજાબના લુધિયાણામાં થયો હતો. તેઓ ભારતીય ટીમના સિલેક્ટર પણ રહી ચૂક્યા છે. યશપાલ શર્માએ ભારત માટે 37 ટેસ્ટ મેચમાં 1,606 રન બનાવ્યા હતા. તેમનો હાઈએસ્ટ સ્કોર 140 રહ્યો છે અને સરેરાશ 33.45 રન હતી. વન ડે ક્રિકેટમાં તેઓ 42 મેચ રમ્યા હતા અને 28.48ની સરેરાશથી 883 રન બનાવ્યા હતા.
1983ના વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને વિજેતા બન્યું હતું. આ જીતમાં યશપાલ શર્માની મહત્વની ભૂમિકા હતી. તેઓ જ્યારે ક્રિઝ પર આવ્યા ત્યારે ટીમનો સ્કોર 3 વિકેટ પર 76 રન હતા, જે થોડા જ સમયમાં પાંચ વિકેટે 141 રન થઈ ગયો હતો. યશપાલ શર્માએ 120 બોલમાં 89 રન ફટકાર્યા હતા. તેમણે આ વિશ્વકપમાં કૂલ 8 ઇનિંગ્સમાં 34.28ની એવરેજથી 240 રન નોધાવ્યા હતા.