દિલ્હીની સ્પેશ્યલ કોર્ટે ટેરર ફંડિંગ કેસમાં કાશ્મીરના ભાગલાવાદી નેતા યાસીન મલિકને બુધવાર (25મે)એ આજીવન કેદની સજા ફટકારી છે. કેન્દ્રીય તપાસ સંસ્થા નેશનલ ઇન્વેસ્ટિંગ એજન્સીએ મૃત્યુદંડની સજાની માગણી કરી હતી, જ્યારે બચાવપક્ષે આજીવન કેદની રજૂઆત કરી હતી. વકીલ ઉમેશ શર્માએ જણાવ્યું હતું કે બે આજીવન કેદ અને 10 વર્ષની સખત કેદની પાંચ સજા કરવામાં આવી છે. આ તમામ સજા એકસાથે ભોગવવાની રહેશે. યાસીન મલીક સામે રૂ.10 લાખની નાણાકીય પેનલ્ટી પણ લાદવામાં આવી હતી.
યાસીન મલિકને NIA કોર્ટ અગાઉ જ દોષિત ઠરાવી ચુકી હતી. મલિક સામે પાકિસ્તાનનું સમર્થન કરી કાશ્મીર ખીણમાં આતંકવાદી ઘટનાઓને ફન્ડિંગ કરવા તથા આતંકવાદીઓને શસ્ત્રો-હથિયારો ઉપલબ્ધ કરાવવાનો આરોપ છે. કોર્ટના ચુકાદા પહેલા કાશ્મીરમાં અનેક બજારો બંધ થઈ ગયા હતા. શ્રીનગરના લાલ ચોક સહિત અનેક વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવ્યો હતો. .શ્રીનગરની આજુબાજુના વિસ્તારોમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી.
અગાઉ મલિકે કોર્ટમાં જણાવ્યું હતું કે, તે આતંકવાદી ગતિવિધિ), આતંકવાદી પ્રવૃતિ માટે ફંડ ભેગું કરવું, આતંકવાદી પ્રવૃતિનું કાવતરું ઘડવું, આતંકવાદી સંગઠન અથવા સંગઠનના સભ્ય હોવું અને દેશદ્રોહના આરોપોને પડકાર આપવા માંગતો નથી. મલિક 2019થી દિલ્હીની તિહાર જેલમાં કેદ છે.