બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમને ફોરેન એક્સ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના કથિત ઉલ્લંઘન બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સમન્સ મોકલ્યું છે. યામીએ પોતાના બેન્ક ખાતામાં રૂ.1.5 કરોડના ફોરેન એક્સ્ચેન્જ ટ્રાન્ઝેક્શન કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે, એમ અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું.
EDના મુંબઈ યુનિટે યામી ગૌતમને 7 જુલાઈએ હાજર થવાનો આદેશ આપ્યો છે. રિપોર્ટ પ્રમાણે, યામીને આ બીજું સમન્સ મળ્યું છે અને તેના પર મની લોન્ડ્રિંગના આરોપ લાગ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે વિદેશી નાણાંને લઈને સામે આવેલી અનિયમિતતાને મુદ્દે યામી સામે તપાસ ચાલી રહી છે. વિદેશી નાણાંની લેવડદેવડ કોઈની સાથે અને કેમ કરી હતી તે અંગે પૂછપરછ કરવામાં આવશે. ગયા મહિને યામી ગૌતમ લગ્નના કારણે ચર્ચામાં હતી. યામીએ 4 જૂન 2021ના રોજ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ ફિલ્મના ડાયરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યા હતા.