ચીનમાં શી જિનપિંગ સતત ત્રીજી વખત પ્રેસિજન્ટ બન્યા છે. તેમણે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાની (સીપીસી)ની બેઠકમાં ફરી વખત પાંચ વર્ષના કાર્યકાળ માટે પક્ષના મહામંત્રી તરીકે ચૂંટાઇને રેકોર્ડ સર્જ્યો છે. પક્ષની સ્થાપના પછી એ પહેલા એવા નેતા છે, જે આ પદ પર ત્રીજા કાર્યકાળ માટે પસંદ થયા છે.
69 વર્ષીય જિનપિંગને સીપીસીના મહાસંમેલનમાં એક દિવસ પહેલાં શક્તિશાળી કેન્દ્રીય સમિતિમાં ચૂંટયા હતા, જ્યારે આ સત્તાવાર નિવૃત એટલે કે 68 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છે અને તેમનો 10 વર્ષનો કાર્યકાળ સંપન્ન થઈ ચૂક્યો છે.
બેઇજિંગના ગ્રેટ હોલ ઓફ ધ પિપલ્સમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે તમે મારી પર ભરોસો મૂક્યો છે, એ માટે હું આખા પક્ષનો દિલથી આભાર વ્યક્ત કરવા ઇચ્છુ છું.
શી જિનપિંગના અધ્યક્ષપદ હેઠળ મળેલી સેન્ટ્રલ કમિટી સેશનમાં 203 સભ્યો હાજર રહ્યા હતા. 168 જેટલા વૈકલ્પિક સભ્યો પણ હતા. સેન્ટ્રલ કમિટીએ 24 સભ્યોના પોલિટબ્યૂરોને બહાલી આપી છે. આ બ્યૂરોએ સાત સભ્યની સ્ટેન્ડિંગ કમિટીને ચૂંટી હતી. જેમાં પણ જિનપિંગના કટ્ટર સમર્થકો રહેલા છે. પોલિટબ્યૂરોએ શીને ચીની લશ્કર પર એકંદરે અંકુશ ધરાવતા શક્તિશાળી સેન્ટ્રલ મિલિટરી કમીશનના ચેરમેન તરીકે ફેરનિમણૂક કરી છે.
ચીને શનિવારે કોમ્યુનિસ્ટ પાર્ટીના બંધારણમાં સુધારો કરીને નેતા શી જિનપિંગના હોદ્દાને વધુ મજબૂત બનાવ્યો છે અને પ્રથમ વખત તાઇવાનની સ્વતંત્રતા સામેના વિરોધનો બંધારણમાં સમાવેશ કર્યો છે.બેઇજિંગના ગ્રેટ હોલ ઓફ ધ પીપલ ખાતે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (CPC)ની 20મી રાષ્ટ્રીય બેઠકના સમાપન સત્રમાં “ટુ એસ્ટાબ્લિશ” અને “ટુ અપહોલ્ડ્સ” નામના બે ઠરાવ સર્વસંમતીથી પસાર કરાયા છે. તેનો ઉદ્દેશ્ય પાર્ટીમાં જિનપિંગના મુખ્ય દરજ્જાને મજબૂત કરવાનો તથા તેમની રાજકીય વિચારસરણીના માર્ગદર્શક ભૂમિકામાં વધારો કરવાનો છે.
“ટુ એસ્ટાબ્લિશ”નો અર્થ બે પ્રકારની સ્થાપનાછે. તેમાં સીપીસીની કેન્દ્રીય સમિતિ અને સમગ્ર પક્ષના “મુખ્ય” તરીકે જિનપિંગના દરજ્જાને સ્થાપિત કરવો તથા નવા યુગ માટે ચાઇનીઝ લાક્ષણિકતાઓ સાથે સમાજવાદ અંગે જિનપિંગની વિચારસરણીને માર્ગદર્શક ભૂમિકા તરીકે સ્થાપિત કરવી. ટુ અપહોલ્ડનો અર્થ એવો થાય છે કે CPCમાં જિનપિંગના ‘મુખ્ય’ દરજ્જાનું રક્ષણ કરવું અને CPCની કેન્દ્રિય ઓથોરિટીનું પણ રક્ષણ કરવું.આ બંને ઠરાવથી જિનપિંગ 1949માં આધુનિક ચીનના સ્થાપક માઓ ઝેડોંગ પછી ચીનના સૌથી શક્તિશાળી નેતા બને છે.
2017માં છેલ્લી રાષ્ટ્રીય કોંગ્રેસ દરમિયાન બંધારણમાં પણ સુધારો કરવામાં આવ્યો હતો. તે સમયે નવા યુગમાં ચાઇનીઝ લાક્ષણિકતાઓ સાથે સમાજવાદ અંગે શી જિનપિંગની વિચારસરણીનો ઉમેરવામાં આવ્યો હતો. તેનાથી જિનપિંગ ચીનમાં માઓ અને ડેંગ ઝિયાઓપિંગની કદના નેતા બન્યા હતા.તાઇવાન અંગે સીપીસીએ તેના બંધારણમાં તાઇવાનની સ્વતંત્રતાનો વિરોધ કરતો ઠરાવ અપનાવ્યો છે, જે આ સ્વ-શાસિત લોકશાહી દેશ સામે બેઇજિંગના કડક વલણનો સંકેત છે. અહીં ઉલ્લેખનીય છે કે ચીન તાઇવાનને પોતાનો અભિન્ન હિસ્સો માને છે.ઠરાવમાં જણાવાયું છે કે કોંગ્રેસ તાઈવાનની સ્વતંત્રતા’ની માંગ કરતા અલગતાવાદીઓનો વિરોધ કરવા અને તેમને અટકાવવાના પક્ષના બંધારણીયમાં તેનો સામેલ કરવા સંમત થાય છે.