ચીનની સંસદે શુક્રવારે સર્વસંમતિથી ત્રીજીવાર પાંચ વર્ષની મુદત માટે શી જિનપિંગની પ્રેસિડેન્ટ અને લશ્કરના વડા તરીકે નિમણૂક કરી છે. આ સાથે જિનપિંગ માટે આજીવન સત્તા પર રહેવાનો માર્ગ મોકળો થયો છે. ચીનના અર્થતંત્રની ધીમી વૃદ્ધિ અને અમેરિકા-યુરોપિયન યુનિયન સાથે વધતા તણાવ વચ્ચે જિનપિંગનો કાર્યકાળ પડકારજનક રહેવાની શક્યતા છે. રબર સ્ટેમ્પ સંસદ કરીકે ઓળખાતી નેશનલ પીપલ્સ કોંગ્રેસના 2952 સભ્યો જિનપિંગની ફરીથી નિમણૂકને મંજૂરી આપશે એ અગાઉથી અપેક્ષિત હતું. તેમણે કમ્યુનિસ્ટ પાર્ટીના પ્રસ્તાવો પર મંજૂરી આપી હતી અને શક્તિશાળી સેન્ટ્રલ મિલિટરી કમિશન (CMC)ના પ્રેસિડેન્ટ અને ચેરમેન તરીકે 69 વર્ષના જિનપિંગની નિમણૂકને પણ મંજૂરી આપી હતી. જિનપિંગ આ સાથે ૨૦ લાખ સૈનિકોના વિશ્વના સૌથી મોટા લશ્કરના વડા પણ બન્યા છે. ઉલ્લેખનીય છે કે, જિનપિંગના અગાઉના તમામ પુરોગામી પાંચ વર્ષની બે મુદતના કાર્યકાળ પછી નિવૃત્ત થયા હતા.