તાઇવાન અને ચીન વચ્ચે તંગદિલીમાં વધારો થયો છે. તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે ચીનના અણુ બોંબ ફેંકવાની ક્ષમતા ધરાવતા બે વિમાનોએ રવિવારે દક્ષિણ તાઇવાનમાં ઉડ્ડયન કર્યું હતું. બીજી તરફ લિથુઆનિયાએ તાઇવાનને પોતાના દેશમાં ઓફિસ ખોલવાની મંજૂરી આપતા ચીન ગિન્નાયું હતું. ચીને રવિવારે મોટો નિર્ણય કરીને લિથુઆનિયા સાથેના રાજનૈતિક સંબંધોમાં ઘટાડાની જાહેરાત કરી હતી.
ચીન તાઇવાનને પોતાનો અભિન્ન હિસ્સો માને છે અને તાઇવાનને પોતાનામાં ભેળવી દેવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે તાઇવાન પોતાને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કરી ચુક્યું છે. રવિવારે તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ચીનના H-6s પ્રકારના બે વિમાનોએ બાશી ચેનલ પર ઉડાન ભરી હતી. આ બંને વિમાનો અણુ બોંબ ફેંકવાની ક્ષમતા ધરાવતા ચીનના ઘાતક વિમાનો છે. આ પહેલા પણ ચીને ઘણીવાર શક્તિપ્રદર્શન કરીને તાઇવાનને ડરાવવાનો પ્રયાસ કર્યો છે. ચીન ઘણીવાર તાઇવાનના હવાઇ ક્ષેત્રમાં યુદ્ધ વિમાનો મોકલી ચુક્યું છે.
બીજી એક ગતિવિધિમાં ચીને લિથુઆનિયા સાથેના તેના રાજનૈતિક સંબંધોને રાજદૂત સ્તરથી નીચા કર્યા હતા. લિથુઆનિયાએ પોતાના દેશમાં તાઇવાનને ઓફિસ ખોલવાની પરવાનગી આપ્યા બાદ ચીને આ પગલું ભર્યું હતું. આ પહેલા ચીને તાઇવાનની સ્થિતિ પર પોતાની ચિંતા વ્યક્ત કરીને લિથુઆનિયાના રાજદૂતને હકાલપટ્ટી કરી કરી હતી અને પોતાના રાજદૂતને પાછા બોલાવી લીધા હતા.