ચીનની મોબાઇલ ઉત્પાદક કંપની શાઓમી સામે કડક કાર્યવાહી કરીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ શાઓમી ઇન્ડિયાનું રૂ.5,551 કરોડનું ભંડોળ ટાંચમાં લીધું છે. વિદેશી હૂંડિયામણ કાયદાના ઉલ્લંઘન બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે, એમ ઇડીએ શનિવારે જણાવ્યું હતું.
શાઓમી ટેકનોલોજી ઇન્ડિયા નામની આ કંપની બ્રાન્ડનેમ એમઆઇ બ્રાન્ડ હેઠળ મોબાઇલ ફોનનું ટ્રેડિંગ અને વિતરણ કરે છે. તે ચીનના શાઓમી ગ્રૂપની ભારત ખાતેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. ઇડીએ કંપનીના બેન્ક એકાઉન્ટમાં પડેલા આ ભંડોળને ટાંચમાં લીધું છે. ચીનની કંપનીએ ફેબ્રુઆરીમાં વિદેશમાં મોકલેલા કથિત ગેરકાયદે રેમિટન્સના કનેક્શનમાં ઇડીએ તપાસ ચાલુ કરી હતી. આ પછી ફોરેન એક્સ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)ની સંબંધિત જોગવાઈ હેઠળ આ ભંડોળ ટાંચમાં લેવામાં આવ્યું છે.
શાઓમીએ 2014માં ભારતમાં બિઝનેસ ચાલુ કર્યો હતો અને તે પછીના વર્ષથી વિદેશમાં નાણા મોકલવાનું ચાલુ કર્યું હતું. ઇડીએ તેના નિવેદનમાં આરોપ મૂક્યો છે કે કંપનીએ શાઓમી ગ્રૂપની એક કંપની સહિત વિદેશની ત્રણ કંપનીઓને રૂ.5,551.27 કરોડના મૂલ્યની વિદેશી કરન્સી મોકલી હતી. ચીનના માલિક ગ્રૂપની સૂચનાને આધારે રોયલ્ટીના નામે આટલી જંગી રકમ વિદેશમાં મોકલવામાં આવી હતી. અમેરિકા સ્થિત બે વિદેશી એકમોને પણ નાણા મોકલવામાં આવ્યા હતા, જેનો આખરે શાઓમી ગ્રૂપની કંપનીઓને જ લાભ થયો હતો.
ઇડીએ જણાવ્યું હતું કે શાઓમી ઇન્ડિયા ભારતમાં ઉત્પાદકો પાસેથી સંપૂર્ણપણે તૈયાર મોબાઇલ સેટ્સ અને બીજી પ્રોડક્ટ્સનો સપ્લાય મેળવે છે, પરંતુ તેને નાણા ટ્રાન્સફર કર્યા હતા તે વિદેશ ખાતેની આ ત્રણ કંપનીઓ પાસેથી કોઇ સર્વિસ લીધી નથી. ગ્રૂપ કંપનીઓમાં વિવિધ દસ્તાવેજી માયાજળની રચના કરવામાં આવી હતી અને તેના મારફત રોયલ્ટીના નામે આ રકમ વિદેશમાં ટ્રાન્સફર કરાઈ હતી, જે ફેમાની કલમ 4નું ઉલ્લંઘન છે. આ કલમ વિદેશી હૂંડિયામણનો સંગ્રહ કરવા સંબંધિત છે. ઇડીએ કંપની પર એવો પણ આરોપ મૂક્યો છે કે કંપનીએ વિદેશમાં ભંડોળ મોકલતી વખતે બેન્કોને ગેરમાર્ગે દોરતી માહિતી આપી હતી. આ મહિનાના પ્રારંભમાં ઇડીએ ગ્રૂપના ગ્લોબલ વાઇસ પ્રેસિડન્ટ મનુ કુમાર જૈનની પણ પૂછપરછ કરી હતી.