વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં ગુરુવારે બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ 469 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રોહિત શર્મા અને શુભમન ગિલે ભારતની પ્રથમ ઇનિંગનો પ્રારંભ કર્યો હતો. અગાઉ ભારતીય બોલર મોહમ્મદ સિરાજએ ચાર વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાને મોટો સ્કોર કરતાં અટકાવ્યું હતું. મોહંમદ શામી અને શાર્દુલ ઠાકુરે બે-બે વિકેટ ઝડપી હતી.
પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડે ભારત સામે સદી ફટકારતા કાંગારૂ ટીમને મજબૂત પ્રારંભ અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો. ભારતીય બોલર્સને પ્રથમ સેશનમાં 73 રનમાં ઓસિ.ની બે વિકેટ ઝડપવામાં સફળતા મળી હતી. જોકે ટ્રેવિસ હેડે ભારત સામે રમતા ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી અને વિદેશમાં પ્રથમ સદી ફટકારી હતી. ડબલ્યુટીસી ફાઈનલના પ્રથમ દિવસની રમતના અંતે હેડ 156 બોલમાં 146 રન કરીને તથા સ્ટીવ સ્મિથ 227 બોલમાં 95 રન કરીને રમતમાં રહેતા ઓસિ.એ ત્રણ વિકેટ 327 રન કર્યા હતા. હેડે 146 રનની ઈનિંગ્સમાં 22 ચોગ્ગા તથા એક છગ્ગો ફટકાર્યો હતો. જ્યારે સ્ટીવ સ્મિથે સાતત્યપૂર્ણ રમતનું પ્રદર્શન કરતા બન્ને વચ્ચે ચોથી વિકેટ માટે 251 રનની ભાગીદારી થઈ છે.
ઉસ્માન ખ્વાજા 10 બોલ રમીને ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. મોહમ્મદ સિરાજે ચોથી ઓવરમાં જ ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. લંચ પૂર્વે શાર્દુલ ઠાકુરે સેટ ઓપનર ડેવિડ વોર્નર (43)ની વિકેટ ઝડપતા ઓસિ.ને બીજો ઝટકો આપ્યો હતો. ભારતના સૌથી અનુભવી પેસર મોહમ્મદ શમીએ માર્નસ લાબુશેનને લંચ બાદ 26 રને બોલ્ડ કરીને પેવેલિયન પરત મોકલ્યો હતો.