વેલ્સના રેક્સહામમાં રહેતા બરિન્દરજીત ધાલીવાલના ઘરમાં ઘુસીને તેમની આઠ સપ્તાહની પુત્રીને મારી નાખવાની ધમકી આપી લૂંટ ચલાવનાર જ્હોન પ્રાઇસને સાડા સાત વર્ષની, રેક્સહામના ફ્લાયનને છ વર્ષ અને બે મહિના અને પોવેલને એક વર્ષ અને નવ મહિનાની જેલની સજા કરવામાં આવી હતી.
19, સપ્ટેમ્બર 2020ના રોજ માસ્ક પહેરેલી ટોળકીએ બરિન્દરજીત ધાલીવાલને સોનાના દાગીના નહીં આપે તો નવજાત બાળકીને મારી નાખવાની ધમકી આપી હતી. તેઓ માનતા હતા કે પરિવાર એશિયન હોવાથી તેમના ઘરમાં સોનું હશે. એક લુટારાએ બાળકને છીનવી લીધું હતું જ્યારે બીજા લુંટારાએ સી-સેક્શનમાંથી સ્વસ્થ થઈ રહેલા ફાર્માસિસ્ટ શ્રીમતી ધાલીવાલના પેટમાં મુક્કો માર્યો હતો.
તેમણે પુત્રીને નુકસાન ન પહોંચાડવા વિનંતી કરી જ્વેલરી બોક્સ તરફ ઈશારો કરતા લુંટારા લુંટ કરી ભાગી ગયા હતા.
પ્રાઇસ અને ફ્લિને અગાઉની સુનાવણીમાં લૂંટનું કાવતરું ધડ્યું હોવાની કબૂલાત કરી હતી અને પોવેલે ગુનેગારોને મદદ કરી હોવાનું કબૂલ્યું હતું.
સીસીટીવીમાં ચાર માણસો કાળા રંગની વૉક્સવેગનમાં આવતા અને દરવાજો ખટખટાવતા દેખાયા હતા. શ્રીમતી ધાલીવાલે જવાબ ન આપતા તેઓ દરવાજાના કાચ તોડતા જણાયા હતા. તેમણે તેણીના ગળામાંથી હાર અને લગ્નની વીંટી છીનવી લીધી હતી.